અમદાવાદમાં બેઋતુને લીધે વાયરલના કેસમાં વધારો, ઝાડા-ઊલટીના 523, કમળાના 335 કેસ નોંધાયા
અમદાવાદઃ શિયાળાનો સવા મહિના જેટલો સમય વિતિ ગયો હોવા છતાં હજું બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મોડીરાતથી પરોઢ સુધી ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુને લીધે શહેરમાં વાયરલ બિમારીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાનગી દવાખાનાંમાં પણ દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. શહેરમાં નવેમ્બરના 26 દિવસમાં જ ઝાડા-ઊલટીના 523, ટાઈફોઈડના 426, કમળાના 335 અને કોલેરાનો એક કેસ નોંધાયો હતો. એટલે કે, છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વર્ષે નવેમ્બર મહિનામાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. 2019 અને 2020માં નવેમ્બરમાં નોંધાયેલા પાણીજન્ય રોગચાળા કરતાં નવેમ્બરમાં નોંધાયેલા પાણીજન્ય રોગચાળાના દર્દીની સંખ્યા વધારે છે. પાણીજન્ય રોગચાળાને કાબૂમાં લેવા મ્યુનિ.એ ચાલુ મહિને 7868 ક્લોરિનની હાજરીના ટેસ્ટ કર્યા હતા પણ 113 સેમ્પલમાં ક્લોરિનની માત્રા નીલ જણાઈ હતી. પાણીના 53 સેમ્પલમાં બેક્ટરિયા મળ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ઠંડી-ગરમી મિશ્રિત ઋતુને કારણે વાયરલ બીમારીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શિયાળાનો કારતક મહિનો પૂર્ણ થઈને માગશર મહિનાનું પ્રથમ સપ્તાહ પણ નિતિ ગયું હોવા છતાં હજુ વાતાવરણમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દરમિયાન નવેમ્બર મહિનાના પ્રથમ 26 દિવસમાં ઝાડા-ઊલટીના 523, ટાઈફોઈડના 426, કમળાના 335 અને કોલેરાનો એક કેસ નોંધાયો હતો. એટલે કે, છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વર્ષે નવેમ્બર મહિનામાં પાણીજન્ય રોગચાળો વકર્યો હતો. અને ડિસેમ્બરના પ્રારંભ ટાણે જ વાયરલ કેસમાં વધારો થઈ રહ્યો છે. નવેમ્બર મહિનામાં મ્યુનિ.હોસ્પિટલોમાં નોંધાયેલા કેસોમાં મચ્છરજન્ય રોગચાળામાં સાદા મેલેરિયાના 63, ઝેરી મેલેરિયાના 23, ડેન્ગ્યુના 361 તથા ચિકનગુનિયાના 28 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવા ડ્રાય ડે ઉપરાંત મ્યુનિ.એ ચાલુ મહિને 63308 લોકોના લોહીના નમૂના લીધા હતા. ડેન્ગ્યુના દર્દીઓ શોધવા 2838 લોકોના સીરમ સેમ્પલ લીધા છે.