Site icon Revoi.in

વડોદરાના આજવા સરોવરના 62 દરવાજા ખોલાતા વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો

Social Share

વડોદરાઃ  શહેરમાં બે દિવસ પહેલા કડાકા ભડાકા સાથે માત્ર ચાર કલાકમાં પડેલા પાંચ ઇંચ જેવા વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી 24.75 ફૂટે સ્થિર થયા બાદ ઘટીને સવારે 15 ફૂટ થતા શહેરીજનોએ રાહત અનુભવી હતી. દરમિયાન સવારે 7:30 વાગ્યાથી આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેનું પાણી વિશ્વામિત્રીમાં ઠલવાતા વડોદરામાં વિશ્વામિત્રીનું લેવલ 18 ફૂટ સુધી પહોંચવાની શક્યતા રહેલી છે.

વડોદરા શહેરમાં બે-ત્રણ દિવસ પહેલા પાંચ ઇંચથી વધુ ધોધમાર વરસાદ પડ્યો હતો. પરિણામે સમગ્ર શહેર જળબંબોળ બન્યું હતું. જ્યારે નીચાણવાળા વિસ્તારમાં કેડસમા પાણી ભરાઈ જવાથી ફરી એકવાર શહેર પર પૂરનું સંકટ ઘેરાતા દહેશતનું વાતાવરણ ફેલાયું હતું. હજુપણ  શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને સ્થાનિક રહીશો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ધોધમાર પડેલા વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 24.75 ફૂટે પહોંચી ગઈ હતી. જ્યારે આજવા સરોવરની સપાટી 213.50 ફૂટ આસપાસ રહી હતી. જોકે સોમવારથી મેઘરાજાએ  ખમૈયા કરતા વિશ્વામિત્રીની જળ સપાટી ધીમે-ધીમે ઘટીને આજે 15 ફૂટે પહોંચી છે. આજવા સરોવરની સપાટી 213.49 ફૂટ રહી છે. જેથી અડધો ફૂટ પાણીનો જથ્થો વિશ્વામિત્રી નદીમાં છોડવાનો નિર્ણય લાવામાં આવ્યો હતો..

વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઉતરોતર ઘટાડો થતાં 15 ફૂટ ઉપર સપાટી પહોંચી છે. ત્યારબાદ આજે સવારે 07:30 કલાકથી આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી વિશ્વામિત્રી નદીની સપાટી વધુમાં વધુ 18 ફૂટ સુધી પહોંચશે તેવી શક્યતા રહેલી છે જેથી પૂર આવવાની શક્યતા રહેશે નહીં. આમ શહેર પરથી વધુ એક વાર તોળાઈ રહેલું પૂરનું સંકટ ઓસરી ગયું છે.