અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે ચોમાસુ એકંદરે સારી રહ્યું હતું .મોટાભાગના જળાશયો છલોછલ ભરાઈ ગયા હતા. એટલે આ વર્ષે રવિ સીઝનમાં ધૂમ વાવેતર થઈ રહ્યું છે. આ વખતે ધાણા. રાયડો, અને લસણના વાવેતરમાં ગત વર્ષની તુલનાએ વધારો થયો છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે ધાણાનું વાવેતર 86,634 હેક્ટરમાં થઇ ગયું છે. જે પાછલી સીઝનના 93,000 હેક્ટર કરતા હવે સહેજ જ પાછળ છે. જોકે સરેરાશની તુલનાએ 100 ટકાએ આંકડો પહોંચી ચૂક્યો છે. બીજી તરફ જીરાના વાવેતરમાં ધરખમ ગાબડું પડ્યું છે.
જીરૂનું વાવેતર ગુજરાતમાં 1.71 લાખ હેક્ટર થયું છે. અગાઉના વર્ષમાં વાવેતર 3.02 લાખ હેક્ટરમાં હતુ. સામાન્ય રીતે વાવેતર વિસ્તાર 4.34 લાખ હેક્ટર જેટલો રહે છે. જીરૂમાં નિરુત્સાહ હોવાનું કારણ નીચાં ભાવ અને જમીનમાં રહેલો વધુ પડતો ભેજ છે. ખેડૂતોને જીરૂમાં આખું વરસ કમાણી થઇ નથી એટલે આ વખતે વાવેતરનું મન ઓછું છે. બીજી તરફ અન્ય પાકોમાં રાયડા અને લસણના ભાવ સારાં થતા તે તરફ ખેડૂતો વળ્યા છે.
રાજ્યમાં આ વર્ષે લસણનું વાવેતર સરેરાશ કરતા ઘણું વધી જતા 17,246 હેક્ટરમાં થઇ ગયું છે. જે પાછલા વર્ષમાં 10,720 હેક્ટર હતુ. સરેરાશ 12,559 હેક્ટરમાં વાવેતર થાય છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે બમ્પર વાવેતર થયું છે. વરિયાળીનું વાવેતર 28433 સામે 21271 હેક્ટરમાં થયું છે. જ્યારે ડુંગળીનું વાવેતર 35348 સામે 46230 હેક્ટરમાં અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે. સવાનું વાવેતર ઘટીને 5576 હેક્ટર અને ઇસબગુલનું વધીને 3262 હેક્ટરમાં થયું છે. જ્યારે શેરડીનો વિસ્તાર સામાન્ય ઘટીને 1.26 લાખ હેક્ટર સામે 1.22 લાખ હેક્ટર રહ્યો છે.
આ ઉપરાંત રાયડાનું વાવેતર 1.97 લાખ હેક્ટર ગયા વર્ષે હતુ તેના સ્થાને 2.99 લાખ હેક્ટર થયું છે. સામાન્ય રીતે 1.94 લાખ હેક્ટરમાં વાવણી થતી હોય છે. આમ સરેરાશ કરતા 54 ટકા વધારે વાવણી થઇ છે. ચણાનો વિસ્તાર 5.33 લાખહેક્ટર સામે 6.51 લાખ હેક્ટર રહ્યો છે. વાવેતર વિસ્તારમાં મોટો વધારો થવા પામ્યો છે.
શિયાળુ સીઝનના મહત્વના ગણાતા ઘઉંના પાકનો વિસ્તાર 4.25 લાખ હેક્ટર રહ્યો છે. જે પાછલા વર્ષમાં 6.30 લાખ હેક્ટર હતો. વાવેતર કુલ સામાન્ય રીતે 11-12 લાખ હેક્ટરમા થતું હોય છે. પણ આ વર્ષે પાણીની છત હોવા છતાં વિસ્તારમાં ઘટાડો થયો દેખાય રહ્યો છે.’