કોરોનાને લીધે રોગ પ્રતિકારક અને ઈન્ફેક્શનની દવાના વેચાણમાં વધારો, ફાર્મા કંપનીઓને કોરોના ફળ્યો
અમદાવાદઃ કોરોનાનો કપરોકાળ ઘણાને ફાયદો પણ કરાવી આપતો હોય છે. ગુજરાતભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજીબાજુ લોકો રોગ પ્રતિકારક દવાઓ ખરીદી રહ્યા છે. ગુજરાતમાં દેશની સૌથી વધુ અને મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ આવી રહી છે. રોગ પ્રતિકારક શક્તિની દવાની માગ વધતા આવી કંપનીઓએ દવાના ઉત્પાદનમાં 30 ટકા વધારો કર્યો છે. આ ઉપરાંત વાઇરલ ઇન્ફેક્શનમાં વપરાતી દવાઓના વેચાણમાં પણ વધારો આવ્યો છે. માર્કેટમાં દવાની ડિમાન્ડ વધતાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ફાર્મા કંપનીઓમાં દવાઓના ઉત્પાદનમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત અને દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને લઇને બજારમાં દવાની માગ વધી છે. ફાર્મા કંપનીઓમાં વાઇરલ ઈન્ફેક્શન દરમિયાન ઉપયોગમાં લેવાતી દવાનું ઉત્પાદન 25-30 ટકા સુધી વધારી દેવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાત ફાર્મા ક્ષેત્રે દેશ અને વિશ્વભરમાં અગ્રેસર છે, જેથી દવા પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થઈ શકે છે,
ગુજરાત કેમિસ્ટ્રી ફેડરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે લોકોએ ગભરાવાની સહેજ પણ જરૂર નથી, કારણ કે તમામ પ્રકારની દવાઓનો પર્યાપ્ત માત્રામાં જથ્થો રિટેલરની સાથે સાથે જે-તે કંપનીના ડેપો એટલે કે સ્ટોરેજમાં ઉપલબ્ધ છે. જોકે લોકોએ જાતે પોતાની રીતે જ દવા લેવાના સ્થાને તબીબોની સલાહ પ્રમાણે જ દવા લેવા માટે અપીલ કરવામાં આવી છે, મેડિકલના સ્ટોર સંચાલકોને પણ પ્રિસ્ક્રિપ્શન સાથે જ ચોક્કસ પ્રકારની દવા ગ્રાહકોને આપવામાં આવે તેવી તાકીદ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત કોરોના માટે ‘મોલનુપિરાવિર’ નામની નવી દવા પણ ઉપલબ્ધ થઈ છે, જે પણ પૂરતા પ્રમાણમાં જથ્થો છે. હાલની સ્થિતિમાં તાવ, ગળાનો દુખાવો, શરદી- ખાંસી માટેની એઝીથ્રો માઇસિન, પેરાસિટામોલ, સેટ્રિઝિન વગેરે દવાના વેચાણમાં પણ સરેરાશ 30%નો વધારો નોંધાયો છે. આ ઉપરાંત રોગપ્રતિકાર શક્તિ વધારતી દવાઓના વેચાણનામં પણ વધારો થયો છે.
શહેરમાં મેડિકલ સ્ટોરના સંચાલકોના કહેવા મુજબ શહેરમાં છેલ્લા 10 દિવસ દરમિયાન શરદી, ખાંસી અને તાવની તથા વિટામિન-Cની દવાઓનો ઉપાડ પ્રમાણમાં વધ્યો છે. એટલું જ નહીં, પરંતુ માસ્ક અને સેનિટાઇઝરના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. કોરોના માટે નવી લોન્ચ થયેલી મોલનુપિરાવિર તથા ફેવિપિરાવિર અંગે પણ પૂછપરછ કરી રહ્યા છે.