Site icon Revoi.in

ગુજરાતમાં વન્યપ્રાણીઓના હુમલામાં માનવ મૃત્યુમાં 5 લાખ, પશુ મૃત્યુમાં 50 હજાર સુધીની સહાય અપાશે

Social Share

ગાંધીનગરઃ રાજયમાં હિંસક પ્રાણીઓના હુમલામાં માનવી કે પશુઓના મોત નિપજતા હોય છે. આવા કિસ્સાઓમાં નાગરિકોને ચૂકવાતા વળતર-સહાયના દરોમાં રાજ્ય સરકારે નોંધપાત્ર સુધારો કરી નવા દરો નિયત કર્યા છે.

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ-ઈજા તથા પશુ મૃત્યુના પ્રસંગોએ રાજય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના નવા દર મુજબ માનવ મૃત્યુના કિસ્સામાં પ્રત્યેક વ્યક્તિ દીઠ પહેલાં રૂપિયા 4 લાખની સહાય અપાતી હતી, તેને વધારીને હવે રૂ.5 લાખની સહાય ચૂકવાશે. એ જ રીતે માનવ ઇજા સંદર્ભે 40 ટકાથી 60 ટકા અપંગતા હોય તેવા કિસ્સામાં રૂપિયા 59,100ને બદલે હવે રૂ. 1 લાખની સહાય અપાશે. 60 ટકાથી વધુ અપંગતા હોય તો રૂપિયા 2 લાખ, અને તેથી વધુ સમય ઇજા પામેલાને 3 લાખ, તેમજ  ઈજાગ્રસ્ત વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ રહે તો પહેલા સહાય આપવામાં આવતી નહોતી તેના બદલે હવે રૂપિયા 10,000ની સહાય ચૂકવાશે.

આ ઉપરાંત દૂધાળા પશુઓ માટે પણ પ્રત્યેક પશુદીઠ મૃત્યુ સહાયના નવા દરો નિયત કરાયા છે. જે અંતર્ગત ગાય-ભેંસ માટે રૂપિયા 30 હજારના બદલે હવે રૂ. 50 હજાર, ઊંટ માટે રૂપિયા 30 હજારના બદલે રૂ.40 હજાર, ઘેટાં-બકરા માટે રૂપિયા 3 હજારના બદલે રૂપિયા 5 હજારની સહાય તથા બિન દૂધાળા પશુઓમાં ઊંટ ઘોડા-બળદ માટે રૂપિયા 25 હજાર તથા રેલ્લો (પાડો-પાડી), ગાયની વાછરડી- ગધેડો-પોની વગેરે માટે રૂપિયા 16 હજારના બદલે રૂપિયા 20 હજારની સહાય ચૂકવાશે. આ નવા દરોનો અમલ તા.5મી જાન્યુઆરીથી લાગુ પડી ગયા છે. અને આ ઠરાવ બહાર પાડતા પહેલાંના બનાવોમાં જો કોઇ વળતર ચુકવવાનું બાકી હોય તો તે જે તે સમયના પ્રવર્તમાન ઠરાવોના દર મુજબ ચુકવવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972માં દર્શાવેલ વન્યપ્રાણીની વ્યાખ્યામાં સમાવેશ થતાં વન્યપ્રાણીઓ જેવા કે, સિંહ, વાઘ, દીપડા, રીંછ, મગર, વરૂ, જરખ અને જંગલી ભૂંડ દ્વારા માનવ મૃત્યુ અથવા ઇજા તથા પશુ મૃત્યુ થયેલ હોય તેવા કિસ્સામાં આ વળતર ચુકવવાનું રહેશે.(file photo)