અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારા વચ્ચે કોરોનાની રસીકરણ મહાઅભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં રસીકરણ તેજ કરવા અને કોરોના ટેસ્ટીંગ વધારવા સૂચન કર્યું હતું. દરમિયાન ગુજરાતમાં કોરોના ટેસ્ટીંગના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે સવારે 9થી રાતના 9 કલાક સુધી કોરોનાની રસી આપવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ દોઢ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવે છે. હવે આ લક્ષ્યાંક વધારીને 3 લાખ કરવામાં આવ્યો છે. જેથી હવે દરરોજ સરેરાશ 3 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. આ અંગે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યારે 2500થી વધુ કેન્દ્રો ઉપર કોરોનાની રસી આપવામાં આવી રહી છે. હવે કોરોનાના રસીકરણના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે રાજ્યમાં રાતના 9 કલાક સુધી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો ઉપર કોરોનાની રસી આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે. તા. 1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી વધુની વ્યક્તિઓ અને વિવિધ બીમારીથી પીડાતા યુવાનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને તેમની પત્ની સહિતના રાજકીય મહાનુભાવોએ પણ સામાન્ય નાગરિકની જેમ રસી મેળવી છે.