Site icon Revoi.in

ભરૂચના આમોદ નજીક ઢાઢર નદીમાં મગરોની સંખ્યા વધતા લોકો નદીકાંઠે જતા પણ ડરી રહ્યા છે

Social Share

ભરૂચઃ  શહેર નજીક આવેલા આમોદ પાસે ઢાઢર નદીમાં એકસાથે 20 મગરનું ઝુંડ દેખાતાં સ્થાનિક લોકોમાં આશ્ચર્ય સાથે ફફડાટ ફેલાયો છે. ઢાઢર નદીમાં મગરોનું ઝુંડ જોવા માટે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. ગામના રહિશો હવે મગરોના ઝૂંડને જોઈને નદીના કાંઠે જતાં પણ ડર અનુભવી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ નજીક ઢાઢર નદીના પુલનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વીડિયોએ ભારે કુતૂહલ સર્જ્યું છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે ઢાઢર નદીમાં મગરોનું વિશાળ ઝુંડ પુલ નીચેથી પસાર થઇ રહ્યું છે. આ ઝુંડમાં એક બે નહિ, પરંતુ 20થી 25 મગર ઢાઢર નદીના પુલ નીચેથી પશ્ચિમથી પૂર્વ દિશા તરફ જઈ રહ્યા છે. આ દૃશ્યથી એક તરફ નદીમાં મગરોના વર્ચસ્વનો ભય પણ દેખાયો છે.ગ્રામજનોના જણવ્યા મુજબ ઢાઢર નદીમાં મગર ઘણા વર્ષોથી છે. પણ હવે મગરોની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. નદીના કિનારે નજર કરવામાં આવે તો મોટે ભાગે એકાદ-બે મગર કિનારા પર સૂર્યની ગરમી મેળવતા નજરે પડે છે. ઠંડા લોહીનો આ જીવ ગરમી મેળવવા પાણીની બહાર આવે છે. આજની ઘટનાની વાત કરવામાં આવે તો એકસાથે આટલી મોટી સંખ્યામાં મગર નજરે પડવાનો આ ઐતિહાસિક બનાવ માનવામાં આવી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભરૂચના આમોદ અને જંબુસર તાલુકામાં પસાર થતી ઢાઢર નદી તેના મીઠા જળ માટે જાણીતી છે, સાથે આ નદીમાં વસવાટ કરતાં જળચરોને લઈને પણ ચર્ચામાં રહે છે. અહીં ખૂબ મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે. આ મગર ઉનાળાના સમયમાં નદીમાં પાણી ઓછું થાય ત્યારે છીછરા પાણીમાં નજરે પડે છે.  ચોમાસાની ઋતુમાં નદી જ્યારે બે કિનારે વહેતી હોય ત્યારે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બને છે. આ સમય બાદ આસપાસની ખાડીઓ અને ખેતરોમાં પણ મગર જોવા મળે છે.