અમદાવાદઃ શહેરમાં ઓદ્યોગિક તેમજ વધતા જતાં વાહનોને કારણે પ્રદુષણ વધતું જાય છે. ઉપરાંત કોંક્રેટના જંગલસમા નવા બનતા બિલ્ડિંગોને કારણે પ્રદુષણ વધતું જાય છે. પ્રદુષણને કારણે ઘણાબધા શહેરીજનો ટીબી, શ્વાસનળી, અને ફેફસાના રોગમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં છેલ્લા 12 વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ટીબી, અસ્થમા, શ્વાસનળીમાં સોજો અને ફેફસાના રોગોના કુલ 50225 જેટલાં દર્દીઓ નોંધાયા હતા. જેમાં 2064 જેટલા દર્દીઓના મોત થયા હતા. જેમાં સૌથી વધારે મોત ટીબીના દર્દીઓના થયા હતા.
અમદાવાદ શહેરમાં હવા પ્રદૂષિત બનતા લોકોના સ્વાસ્થ્ય પર જોખમ છે. શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી હવા પ્રદુષણને રોકવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ મ્યુનિ તંત્ર દ્વારા તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો નથી. જેના કારણે નાગરિકો વિવિધ બીમારીઓનો શિકાર બની રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં બહેરામપુરા, દાણીલીમડા, જમાલપુર, વટવા, નારોલ સહિતના વિસ્તારોમાં ઝેરી હવા છોડી પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને કોર્પોરેશન તંત્રની નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરની મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં શ્વાસને લગતા રોગો અંગેની માહિતી એડવોકેટ અતિક સૈયદ દ્વારા RTI કરી માંગવામાં આવી હતી. જેમાં વીએસ હોસ્પિટલ, SVP હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલમાં વર્ષ 2010થી 2022 સુધીમાં ટીબી, અસ્થમા, શ્વાસનળીમાં સોજો અને ફેફસાના રોગોના કેસો નોંધાયા હોવાની વિગતો માંગવામાં હતી જે મામલે કુલ 50225 જેટલાં દર્દીઓ નોંધાયા હતા. જેમાં 2064 જેટલા દર્દીઓના મોત હતા. પ્રદૂષણ ફેલાવતા એકમો સામે માત્ર દંડની જ કાર્યવાહી કરવામાં આવે છે. વર્ષ 2018માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એર ક્વોલિટી મેનેજમેન્ટ સેલની રચના કરવામાં આવી હતી. 260 કરોડની ગ્રાન્ટ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. જેમાંથી માત્ર 31.63 કરોડનો જ ખર્ચ કરવામાં આવ્યો છે. 227 કરોડનો ખર્ચ કરવામાં જ આવ્યો નથી જેથી કહી શકાય કે એર ક્વોલિટી મેનેજમેન્ટ સેલ માત્ર કાગળ પર જ કાર્યરત છે. હવા પ્રદુષણ રોકવાની જવાબદારી જેટલી કેન્દ્ર અને રાજ્ય સરકારની છે તેટલી જ જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની પણ છે.