Site icon Revoi.in

બાળપણમાં માતાપિતાની વધતી ગેરહાજરી, મોબાઈલની આભાસી દુનિયામાં ‘ભૂલા’ પડવા લાગ્યા છે બાળકો!

Social Share

ગરીબી અને અમીરી વચ્ચેના અંતરની ચર્ચાઓ ખૂબ થાય છે. પરંતુ ચિંતાની વાત આટલી જ નથી. પરિવારોની અંદર પણ અંતર વધી રહ્યા છે અને આ અંત માતાપિતા તથા તેમના સંતાનો વચ્ચે વધી રહ્યું છે. તેનું એક માત્ર કારણ છે કે ભૌતિકવાદ તરફની દોડમાં હવે બાળકો તેમના માતાપિતાની પ્રાથમિકતાના છેલ્લા ક્રમાંક પર છે. તેને કારણે બાળકોની બિલકુલ અલગ દુનિયા વસવા લાગી છે. શીખવાની કાચી ઉંમરમાં તેઓ રાતોરાત યુવાન બની રહ્યા છે. સોશયલ મીડિયાની નવી આભાસી દુનિયામાં તેમની સામે એક નવો સમૂહ લાવીને ઉભો કરી દેવામાં આવ્યો છે. તેના કારણે તાજેતરમાં ઝાંસીમાં એક કિશોર દ્વારા મોમો ચેલેન્જ ગેમના ચુંગલમાં ફસાઈને આપઘાતની કરવામાં આવેલી ઘટના પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે. પહેલા પણ આવી ઘટનાઓ થઈ ચુકી છે. તેમ છતાં આવી ઘટનાઓ પર ચર્ચાવિચારણાથી આગળ વધીને અંકુશ લગાવી શકાયો નથી.

ભારત સંયુક્ત કુટુંબોના યુગમાંથી વિભક્ત પરિવારોના તબક્કામાં પ્રવેશી ચુક્યું છે. કાકા-કાકી તો દૂર હવે દાદા-દાદી પણ પરિવારનો ભાગ રહ્યા નથી. તેના કારણે બાળકોની દુનિયા માતાપિતાની આસપાસ વિંટાયેલી છે. પરંતુ નવી ઉદાર વૈશ્વિક દુનિયામાં સામાજિક અને આર્થિક દબણને કારણે માતાપિતાથી તેમના બાળકો દૂર થઈ રહ્યા છે. એક ઘરમાં રહેવા છતાં તેમની વચ્ચેનું અંતર વધી રહ્યું છે. આ સ્પષ્ટપણે દેખાય છે. તેનાથી વધારે ગંભીર બાબત છે કે હાલના સમયમાં બાળકોનું બાળપણ સંપૂર્ણપણે ગ્રાહકવાદની પકડમાં છે. દેશી-વિદેશી સંશોધનોથી સામે આવી રહેલા આંકડા દર્શાવી રહ્યા છે કે વૈશ્વિક સ્તરે ભાગમભાગવાળી જિંદગીમાં બાળકોની આંખોમાંથી ઉંઘ છીનવી લેવાઈ છે. બાળકો પહેલાની સરખામણીમાં વધારે આક્રમક, એકલતાથી ઘેરાયેલા અને નિર્દયી બની રહ્યા છે. પરિવારોના આંતરીક સંબંધોના માળખા પણ ધસી રહ્યા છે.

ઈન્ડિયન પીડ્રિયાટ્રિક્સ જર્નલના એક અહેવાલ પ્રમાણે, દેશના 42 ટકા બાળકો અનિદ્રાનો ભોગ બનેલા છે. તેના કારણે ઉંઘમાં ડરવું, ચાલવું, સુતા-સુતા બબડાટ કરવો, રડવું અને ડરામણા સપના જોવાની સમસ્યા બાળકોને પરેશાન કરી રહી છે. થોડા દિવસો પહેલા અમેરિકાની ફિલોડેલ્ફિયાની સેન્ટ જોસેફ યુનિવર્સિટી દ્વારા ભારતના લગભગ ચાર હજાર બાળકો પર અભ્યાસ કર્યા બાદ કાઢવામાં આવેલા નિષ્કર્ષના તારણો ચોંકાવનારા હતા. તેમાં ભારતીય બાળકો યુરોપિયન બાળકોની સરખામણીએ ઓછી ઉંઘ લઈ રહ્યા છે. જેને કારણે બાળકોનો સ્વાભાવિક વિકાસ થઈ રહ્યો નથી. તેમના રમવા-ખાવાની વયમાં જ તેમનું બાળપણ વિરોધાભાસોથી ભરાય ગયું છે. બાળકોના ઘરેથી ભાગી જવું, આક્રમક થવું, એકાંતમાં રહેવું મોબાઈલ પર ગેમની દુનિયામાં અટવાયેલા રહેવું, મોબાઈલ ગેમની પ્રતિક્રિયા સ્વરૂપે આત્મહત્યા તરફની વૃત્તિનું ઉભું થવું. – જેવી ગંભીર સામાજિક સમસ્યાઓની પૃષ્ઠભૂમિમાં ક્યાંક કૌટુંબિક અને શાળાકીય પૃષ્ઠભૂમિને ચકાસવાનો સમય આવી ચુક્યો છે.

બાળકોના બદલતા વ્યવહાર માટે માત્ર તેઓ દોષિત નથી. બાળપણને યોગ્ય દિશા આપનારી કુટુંબ અને શાળા જેવી સંસ્થાઓની ભૂમિકા પર પણ વિચારણા કરવી પડશે. અવલોકન જણાવે છે કે શહેરો તથા મહાનગરોમાં ભૌતિક જીવનની બદલાતી જરૂરિયાતોના કારણે માતાપિતા અને બાળકો વચ્ચે થનારા સંવાદનું માળખું પણ જર્જર બની ગયું છે. વિભક્ત કુટુંબોના યુગમાં પરિવારોમાં દાદા-દાદીની ગેરહાજરીને કારણે બીજી પેઢીના બાળકો પરથી નિયંત્રણની ડોર તેમના હાથમાંથી લપસી રહી છે. આજે એકલ પરિવાર સમાજના આદર્શ બની રહ્યા છે. સ્કૂલ પણ પુસ્તકિયા જ્ઞાન સુધી જ મર્યાદીત થઈને રહી ગઈ છે. તેવામાં સ્કૂલોમાં બાળકોના શૈક્ષણિક સામાજિકકરણ અને પરિવારોમાં સારા ઉછેરનો પડકાર પણ મોટો બની ચુકયો છે. આમા બાળકો પ્રત્યે લગાવ અને પ્રેમની પ્રવૃત્તિ પણ શૂન્યતા તરફ સામાજીક અને આર્થિક દબાણને કારણે આગળ વધી રહી છે.

એસોચેમના સોશયલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશને દેશના ત્રણ હજાર વ્યવસાયી માતાપિતા પર એક અભ્યાસ કરવામાં આવ્ય હતો. આમા ખબર પડી કે વ્યવસાયી માતાપિતાની પાસે પોતાના બાળકો સાથે સમય ગુજારવા માટે માત્ર 20 મિનિટનો સમય રહી ગયો છે. માતાપિતા આનાથી વધારે સમય બાળકોને આપી શકતા નથી. નિશ્ચિતપણે બાળકોના વિકાસ માટે આ કોઈ સારા સમાચાર નથી. રિપોર્ટ એ પણ જણાવે છે કે કામકાજી માતાપિતાની પાસે સમયના અભાવને કારણે હવે તેઓ સ્કૂલમાં હોમવર્કમાં મદદ પણ કરતા નથી. સપ્તાહના આખરમાં પણ તેઓ બાળકો સાથે એક સમયનું ભોજન ખાતા નથી. તેનો સીધો અર્થ એ થયો કે બાળકોનું બાળપણ હવે ધીરેધીરે સુમસામ થઈ રહ્યું છે. માતાપિતા અને બાળકો વચ્ચેના સ્વસ્થ સંવાદની ઉણપને કારણે બાળકોના જીવન સામાજિક દુનિયાથી દૂર થઈ રહ્યા છે. સમાજમાં બજારવાદી માનસિકતાને કારણે દરેક વસ્તુ હવે એક ઉત્પાદન બની રહ્યું છે. તેવી સ્થિતિમાં બાળક પણ હવે બજારવાદી માનસિકતાનો ભોગ બની રહ્યા છે. બજારવાદી માનસિકતાથી પેદા થયેલી નવી સંસ્કૃતિમાં પરિવાર અને સ્કૂલ જેવી સંસ્થાઓ પણ નબળી પડી રહી છે. માટે જોડાણની ભાવના, સંયમ, શિસ્ત, પરંપરાઓ, મૂલ્ય, સહાનુભૂતિ અને પ્રેમ જેવા શબ્દો બાળકોના સ્વસ્થ સમાજિકકરણની પૃષ્ઠભૂમિમાં ગાયબ થઈ રહ્યા છે.

આજે ઈલેક્ટ્રોનિક મીડિયા, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, સોશયલ મીડિયા, ફિલ્મો જેવા વિભિન્ન માધ્યમ સ્કૂલો અને વિભક્ત પરિવારોમાં ગાબડા પાડીને કૌટુંબિક અને શાળાકીય ભૂમિકાનું વિસ્થાપન થઈ રહ્યું છે. બાળકોના બાળપણથી માતાપિતા અને સ્કૂલની ગેરહાજરીનો લાભ મલ્ટિનેશનલ કંપનીઓ ઉઠાવી રહી છે. બજારવાદી જાહેરાતની સંસ્કૃતિની અસરને કારણે તેમને હવે બાળકો ભવિષ્યના નવા ગ્રાહકો દેખાઈ રહ્યા છે. ઉદારવાદની અસર તળે દુનિયામાં ગળાકાપ સ્પર્ધા વચ્ચે વિભક્ત કુટુંબોના એકલાપણાથી પીડિતા બાળકોની માનસિકતાનો લાભ ઉઠાવીને બાળકોની વચ્ચે આવી મલ્ટિ નેશનલ કંપનીઓ પોતાની પ્રોડક્ટની ખપતની અપાર સંભાવનાઓ જોઈ રહી છે. અવલોકન પ્રમાણે, આજે પરિવારની જેટલી મૂળભૂત જરૂરિયાતો છે, તેમાની 90 ટકા બાળકેન્દ્રીત છે.

વિભક્ત પરિવારોમાં બાળકોના ભાવનાત્મક સંબંધો સમાપ્ત થઈ રહ્યા છે. બાળકો અને તેમના માતાપિતા વચ્ચેના વધી રહેલા અંતરને કારણે તેમણે મોબાઈલની દુનિયાની દિશા પકડી છે. આ દુનિયાની ખરાબ વાત એ છે કે જ્યારે આ બાળકો વાસ્તવિક જીવનની મુશ્કેલીઓનો સામનો કરે છે, ત્યારે તેઓ આવી પરિસ્થિતિઓથી ભાગવા લાગે છે અથવા તણાવ અને ડિપ્રેશનનો ભોગ બને છે. આના દુષ્પરિણામોની વાત કરીએ, તો તાજેતરમાં બાળકોના પરીક્ષા નાપાસ થવા, ત્યાં સુધી કે મોબાઈલ ગેમમાં નિષ્ફળ જવાને કારણે પોતાના મિત્રની હત્યા અથવા ખુદ આત્મહત્યા કરી લેવાના કેટલાક કિસ્સાઓ દેશભરમાં ચર્ચામાં રહ્યા છે. બાળકોના વિચારલોકમાં સંચારના સાધનોએ મોટા પ્રમાણમાં ઘાલમેલ કરી છે. આ ઘેલમેલના કારણે બાળકોના વિચારલોકમાં આક્રોશ, અશ્લિલતા અને હિંસાની ઘૂસણખોરી થઈ ચુકી છે. જેને કારણે બાળકોના જીવનમાંથી બાળપણની બાદબાકી થવા લાગી છે. જેને કારણે હિંસક વૃત્તિ, આક્રમકતા અને ગુસ્સો જેવા નકારાત્મક તત્વો હવે બાળકોના વ્યક્તિત્વનો સામાન્ય અનુભવ બનવા લાગ્યા છે. આ સચ્ચાઈ પર શિક્ષણ વ્યવસ્થાના નીતિ-નિર્ધારકો અને માતાપિતાઓએ વિચારણા કરવી પડશે. બાળકોની માનસિકતાને સમજવી ઘણી જરૂરી છે. બાળકોના સર્જનાત્મક વ્યક્તિત્વના નિર્માણની વ્યવસ્થા તેમના બાળપણને જીવતું રાખશે. આના માટે બાળકો સાથે સંવાદનો ઘટનાક્રમ યથાવત રહેવો જરૂરી છે. આમ કરીને બાળકોને તેમની આસપાસના આભાસી વિશ્વમાંથી બહાર કાઢીને સર્જનાત્મકતાની વાસ્તવિક દુનિયામાં લઈ જઈ શકીશું.