સુરતઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ શહેરની સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT)નાં 20માં પદવીદાન સમારોહના અધ્યક્ષસ્થાનેથી દીક્ષાંત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓનું વધતું પ્રમાણ એ દેશની પ્રગતિ અને રાષ્ટ્ર નિર્માણ માટે શુભ સંકેત છે. દેશને વિકસિત અને દીક્ષિત બનાવવામાં નારીશક્તિની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ હોવાનું જણાવી રાષ્ટ્રપતિએ નવા ઉદ્યોગો અને રોજગારનું સૃજન કરવામાં ટેકનોલોજીકલ જ્ઞાન અને ટેકનિકલ સ્કીલનો વિનિયોગ કરવા યુવા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સુરત શહેરના સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT)નાં 20માં પદવીદાન સમારોહમાં 126 પી.એચ.ડી., 805 બી ટેક, 355 એમ ટેક, 148 પાંચ વર્ષની ઈન્ટીગ્રેટેડ MMCના વિદ્યાર્થીઓ ઉપરાંત 22 વિદ્યાર્થીઓ અને 6 વિદ્યાર્થિનીઓ મળી કુલ 28 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. પદવી મેળવનાર કુલ 1434 વિદ્યાર્થીઓ પૈકી 293 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. તમામ ગોલ્ડ મેડાલિસ્ટને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં મહિલાઓનું યોગદાન વધી રહ્યું છે. ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ ક્ષેત્રની અંદર વિદ્યાર્થીનીઓ આગળ વધી રહી છે. SVNIT જેવી સંસ્થાઓએ વધુમાં વધુ વિદ્યાર્થીઓ આગળ આવે તેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ. યુવાનોએ પોતાના કેરિયર માટે જ નહીં, પરંતુ નવી રોજગારી અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના વિકાસમાં ભૂમિકા ભજવી જોઈએ. AI ટેકનોલોજીનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. એસવીએનઆઇટી જેવી સંસ્થાઓ હાલ નવા પ્રોજેક્ટમાં જે AI સ્કીલનો ગેપ દેખાઈ રહ્યો છે, તેને ઓછો કરી શકે છે. વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે, દેશમાં ક્યાંય પણ તમે જાવ અને જે પણ તમે કામ કરો પણ પોતાના મૂળને હંમેશા યાદ રાખો.
તેમણે ઉમેર્યું હતું કે, લોકડાઉન સમયે કોમ્પ્યુટર સામે સતત રહીને અભ્યાસ કરવામાં ધણી મુશ્કેલી પડી હતી. વડીલોના આશીર્વાદ તથા તનતોડ મહેનતના કારણે મુકામ હાંસલ કર્યો છે.