અમદાવાદઃ ગુજરાતમાં 15મી ઓગસ્ટની સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે, અમદાવાદ સહિત રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી જેથી સમગ્ર રાજ્ય તિરંગાના રંગમાં રંગાઈ રહ્યું છે. બીજી તરફ હર ઘર તિરંગા અભિયાનને પગલે વિવિધ સરકારી અને ખાનગી ઓફિસો ઉપર લોકો રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યાં છે, એટલું જ નહીં લોકો પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવીને 15મી ઓગસ્ટની ઉજવણી કરશે. દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભરના લોકો પોતાના ઘરે તિરંગો લહેરાવી રહ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો હતો.
આણંદ જિલ્લામાં પણ ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની ઉજવણીમાં 111 મીટર લંબાઈના તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.આ યાત્રાને સાંસદ મિતેષ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, જિલ્લા કલેકટર મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણ કુમાર, સહિત મહાનુભાવોએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી.
ડાંગ જિલ્લાના વઘઇ સ્થિત સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે સ્વતંત્રતા પર્વું રિહર્સલ યોજાયું હતું. જેમાં જિલ્લા કલેક્ટર મહેશ પટેલ સહિત ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિહર્સલ બાદ વઘઇ સર્કલ થી તાલુકા સેવા સદન સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રામાં ઉચ્ચ અધિકારીઓ સહિત વઘઇના નગરજનો, કોલેજ અને માધ્યમિક શાળા, તાલુકા શાળા, છાત્રાલયના વિદ્યાર્થીઓ સહિત 1250થી વધુ લોકો જોડાયા હતા.
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ‘મારી માટી-મારો દેશ‘ અંતર્ગત માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી. શહેરના હોસ્ટલ ગ્રાઉન્ડથી રેલ્વે સ્ટેશન અને ત્યાંથી પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી યોજાયેલી આ માર્ચ પાસ્ટમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને લોકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં માટીના ઘડા સાથે શહેરના માર્ગો પર ભરૂચ પોલીસે માર્ચ પાસ્ટ કરી હતી. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્યો સાથે કલેક્ટર, DDO, SP સહિત જિલ્લાના અધિકારીઓ પણ સામેલ થયા હતા.
પાટણ જિલ્લામાં વહીવટી તંત્રના નેજા હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા કલેકટર અરવિંદ વિજયન દ્વારા આ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પાટણના નાગરિકોએ રાષ્ટ્રીય ધ્વજ સાથે 2 કિલોમીટર સુધી પદયાત્રા કરી તિરંગા યાત્રાને સફળ બનાવી હતી. પાટણની એમ એન હાઈસ્કૂલથી નીકળેલી તિરંગા યાત્રા રેલવે સ્ટેશન ખાતે રાષ્ટ્ર ગાન સાથે પૂર્ણ થઈ હતી.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસાના કે. એન. શાહ હાઇસ્કુલ ખાતેથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા કોલેજ કેમ્પસમાં પહોંચી હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો દ્વારા તિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમાર ઉપરાંત જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા , પોલીસ જવાનો સહિત શહેરીજનો મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
મોરબી જિલ્લામાં ફોટો અને વિડિયો એશોસિએશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહને અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. આ સમારોહમાં તેજસ્વી તારલાઓના સન્માન સાથે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તમામ સન્માનિત વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ સહિત રાષ્ટ્રધ્વજ ભેટ આપવામાં આવ્યો હતો. આ સાથે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા સાથે સેલ્ફી ફોટો પાડી સરકાર દ્વારા નિયત કરાયેલ લિંકમાં અપલોડ કરવામાં આવ્યો અને તમામ સદસ્યોને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા કવચથી જોડવા પહેલ રૂપ સદસ્યોને 50 ટકા ફ્રી વીમાકવચ એશોસિએસન દ્વારા ભરવામાં આવશે.