Site icon Revoi.in

ગાંધી જ્યાંતિના દિને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા

Social Share

ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાએ ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરાજ્યની જવાબદારી સ્વીકારીને રાજીનામાં આપી દીધા હતા. નવી નિમણૂંક ન થતાં હાલ બન્ને નેતાઓ પદ પર ચાલુ છે. જ્યારે પ્રદેશ પ્રભારીની જગ્યા પણ ખાલી છે. ત્યારે હવે કોંગ્રેસમાં પણ ભાજપની જેમ પરિવર્તનનો પવન ફુંકાશે તેમ લાગી રહ્યું છે. દરમિયાન  કોંગ્રેસની નજર ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર છે. મેવાણી ગાંધી જયંતિ પર કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ભાજપ હાઇકમાન્ડે આખી સરકાર બદલી નાખ્યા બાદ કોંગ્રેસ હાઇકમાન્ડે પ્રદેશ પ્રમુખ સહિત કેટલાક નેતાઓને દિલ્હી બોલાવ્યા હતા. જો કે પંજાબમાં રાજકીય ઉથલપાથલના કારણે કોંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાત અંગે કોઇ નિર્ણય લઇ શક્યું નથી, પરંતુ હવે એવું માનવામાં આવે છે કે પાર્ટી આગામી બે-ચાર દિવસમાં રાજ્યના પ્રભારીની નિમણૂક કરશે. 2 ઓક્ટોબરે ગુજરાતના અપક્ષ અને કોંગ્રેસ સમર્થિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને પાર્ટીમાં સામેલ કર્યો હતો. પરંતુ અલ્પેશે બાદમાં પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો. જે હવે ફરીથી કોંગ્રેસમાં જોડાશે તેવા અટકળો ચાલી રહી છે. ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની નજીકના માનવામાં આવે છે, રાહુલના કહેવા પર જ ગત ચૂંટણીમાં જીગ્નેશ સામે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઉતાર્યો ન હતો.