નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના પ્રથમ બે દિવસ વિપક્ષ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો. વિપક્ષ દ્વારા સંબલ હિંસા સહિતના મુદ્દે વિપક્ષના સાંસદોએ મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ઈન્ડી ગઠબંધનમાં ભાગલા પડી ગયા હોય તેમ વિપક્ષના આ વિરોધમાં ટીએમસી જોડાયું નથી. ટીએમસીના નેતાઓએ સંસદના કામકાજને પ્રભાવિત ન કરવાનું કહ્યું છે.
ટીએમસીના રાજ્યસભાના નેતા ડેરેક ઓ’બ્રાયને કહ્યું હતું કે, “અમે ઈચ્છીએ છીએ કે સંસદ ચાલે જેથી લોકોના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે.” તેમણે એમ પણ કહ્યું કે હંગામાને કારણે અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી નથી.
લોકસભાના સભ્ય કાકોલી ઘોષ દસ્તીદારે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે TMC કાર્યક્ષમ સંસદની તરફેણમાં છે અને તે નથી ઈચ્છતી કે કોઈ એક મુદ્દાને કારણે સમગ્ર સત્રની કાર્યવાહી અટકી જાય. તેમણે કહ્યું કે સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવી વધુ જરૂરી છે અને તેમાંથી ધ્યાન હટાવવાના પ્રયાસો ન કરવા જોઈએ.
તૃણમૂલ કોંગ્રેસની રણનીતિ કોંગ્રેસ કરતા અલગ જણાઈ રહી છે. TMC કુપોષણ, પશ્ચિમ બંગાળમાં બેરોજગારી, મણિપુરની સ્થિતિ, ખાદ્ય ચીજોની અછત અને મહિલાઓની સુરક્ષાને લગતા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવાની યોજના બનાવી રહી છે. પાર્ટી અપરાજિતા બિલનો મુદ્દો પણ ઉઠાવી રહી છે, જેને બંગાળ એસેમ્બલી દ્વારા પસાર કરવામાં આવી હોવા છતાં, રાજ્યપાલ દ્વારા અટકાવવામાં આવ્યું હતું. TMCનું કહેવું છે કે તેઓ આ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે લઈ જશે અને 30 નવેમ્બરે આ મુદ્દે રાજ્યવ્યાપી અભિયાન ચલાવશે.