Site icon Revoi.in

ભારતઃ એક વર્ષમાં માર્ગ અકસ્માતના 3.66 લાખ બનાવમાં 1.32 લાખ વ્યક્તિના મોત

Social Share

નવી દિલ્‍હી : દેશમાં વાહનોની સંખ્‍યા વધવાની સાથે માર્ગ અકસ્‍માતની સંખ્યામાં વધારો થઈ રહ્યું છે. દરમિયાન વર્ષ 2020માં કુલ 3.66 લાખ જેટલા માર્ગ અકસ્માતના બનાવો બન્યાં હતા. જેમાં 1.32 લાખ વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે 3.48 લાખ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. કેન્દ્ર સરકાર તથા વિવિધ રાજ્ય સરકારોએ માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ રાજ્‍યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, દેશમાં 2019માં થયેલા માર્ગ અકસ્‍માતના 4.49 લાખ બનાવ બન્યા હતા. જેમાં 4.51 લાખ લોકોને ઇજા થઇ હતી. જ્યારે વર્ષ 2020માં માર્ગ અકસ્માતના 3.66 લાખ બનાવો નોંધાયાં હતા.

તેમણે વધુમાં કહ્યુ હતુ કે, માર્ગ મંત્રાલયે રોડ સુરક્ષાની સમસ્‍યાને ઘટાડવા બહુપાંખીય વ્‍યુહરચના અપનાવી છે. જેમાં શિક્ષણ, એન્‍જિનિયરિંગ, અમલીકરણ અને ઇમરજન્‍સી કેરનો સમાવેશ થાય છે.  ‘કોરોના મહામારીને કારણે નેશનલ હાઇવેના નિર્માણ કાર્યને અમુક અંશે અસર થઇ હતી. પ્રોજેકટ અનુસાર સામાન્‍ય રીતે 3થી 9 મહિના જેટલા સમયનું નુકસાન થયુ છે.’

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વધુમાં કહ્યું હતું કે, રાજ્‍યોના 51 ટ્રાન્‍સપોર્ટ એકમો 1.46 લાખ બસોનું સંચાલન કરે છે. જેમાં 11043 બસોમાં દિવ્‍યાંગ મુસાફરોને ચડવા અને ઉતરવાની વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં વાહનોની સંખ્યામાં વધારો થવાની સાથે માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. માર્ગ અકસ્માતના બનાવો ઘટે તે માટે માર્ગો મોટા અને પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.