નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીમાં અત્યાર સુધી અનેક લોકોના મૃત્યું થયાં છે. દરમિયાન રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના રિપોર્ટ અનુસાર 1લી એપ્રિલ 2020થી અત્યાર સુધીમાં લગભગ 1.47 લાખ જેટલા બાળકોના માતા-પિતા અથવા કોઈ એકનું કોરોના મહામારી તથા અન્ય કારણોસર મૃત્યું થયાં છે. આ માહિતી દેશની સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરવામાં આવી હતી.
આયોગના રિપોર્ટ અનુસાર તા. 11 જાન્યુઆરી સુધી અપલોડ કરાયેલા ડેટાથી ખબર પડે છે કે દેખભાળ અને સુરક્ષાની જરૂરિયાત ધરાવતા બાળકોની કુલ સંખ્યા 147492 છે, જેમાં અનાથ બાળકોની સંખ્યા 10094 અને માતા-પિતા પૈકી કોઈને એક ગુમાવનાર બાળકોની સંખ્યા 136910 છે. 147492 પૈકી 76508 કુમાર અને 70980 કન્યા છે, જ્યારે 4 ટ્રાન્સજેન્ડર છે. એફિડેવિટ અનુસાર કુલ બાળકો પૈકી સૌથી વધુ 59010 બાળકો 8 થી 13 વર્ષની વચ્ચેની વયના છે. જ્યારે બીજા ક્રમે 4 થી 7 વર્ષની વચ્ચેની વયના કુલ 26080 બાળકો છે. 14 થી 15 વર્ષની વચ્ચેની વયના કુલ 22763 અને 16 થી 18 વર્ષની વચ્ચેની વયના બાળકોની સંખ્યા 22626 છે. એફિડેવિટ અનુસાર 1529 બાળકો બાલગૃહમાં, 19 ખુલ્લા આશ્રય ગૃહોમાં, બે અવલોકન ગૃહોમાં, 188 અનાથ આશ્રમોમાં, 66 બાળકો દત્તક લેનાર વિશેષ એજન્સીઓમાં અને 39 બાળકો હોસ્ટેલમાં છે. ઓરિસ્સામાં સૌથી વધારે 24405 બાળકોએ માતા-પિતા અથવા બંનેમાંથી એકની છત્રછાયાં ગુમાવી છે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં 19,623, ગુજરાતમાં 14,770, તમિલનાડુ 11,014), ઉત્તરપ્રદેશમાં 9247, આંધ્રપ્રદેશમાં 8760 અને રાજસ્થાનમાં 6827 બાળકોએ પોતાના વાલીને ગુમાવ્યાં છે.