ભારતઃ 16મા નાણાં પંચે સલાહકાર પરિષદની રચના કરી
નવી દિલ્હીઃ સોળમા નાણાં પંચે પાંચ સભ્યોની સલાહકાર પરિષદની રચના કરી છે. આ કમિશનના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવામાં મદદ કરશે. દેશના જાણીતા અર્થશાસ્ત્રી અરવિંદ પનાગરિયા તેના પ્રમુખ છે. મંગળવારે જાહેરકરાયેલા એક નિવેદનમાં નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, અરવિંદ પનાગરિયાની આગેવાની હેઠળના 16મા નાણાં પંચે પાંચ સભ્યોની સલાહકાર પરિષદની રચના કરી છે. આ પાંચ સભ્યોની સલાહકાર સમિતિની અધ્યક્ષતા નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER)ના મહાનિર્દેશક પૂનમ ગુપ્તા કરશે. તેના અન્ય સભ્યો ડી.કે. શ્રીવાસ્તવ, નીલકંઠ મિશ્રા, પ્રાંજુલ ભંડારી અને રાહુલ બજોરિયા છે.
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કાઉન્સિલની ભૂમિકા, કાર્યો અને ઉદ્દેશ્યો રાજકોષીય ડિવોલ્યુશન સંબંધિત બાબતો પર શ્રેષ્ઠ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉકેલ મેળવવાનો છે. તે કમિશનના કાર્યક્ષેત્ર અને સમજને વિસ્તૃત કરવામાં અને તેની ભલામણોની ગુણવત્તા, પહોંચ અને અમલીકરણમાં સુધારો કરવામાં મદદ કરશે. આ ઉપરાંત, આ સમિતિ પેપર અથવા સંશોધન અભ્યાસ તૈયાર કરવામાં મદદ કરશે અને નાણાપંચ દ્વારા કરવામાં આવતા અભ્યાસોનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરશે.