નવી દિલ્હીઃ ભારતીય સેનામાં અગ્નિપથ નામની યોજના જાહેર કરવામાં આવી છે, જે અનુસાર ભરતી થનારા અગ્નિવીરો સશસ્ત્ર દળોમાં ચાર વર્ષ સુધી સેવા આપી શકશે. આ વર્ષે જ લગભગ 46 હજાર જેટલા અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ભારતીય યુવાનો માટે સશસ્ત્ર દળોમાં સેવા આપવા માટે આકર્ષક ભરતી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. અગ્નિપથ નામની આ યોજના હેઠળ પસંદ કરવામાં આવેલા યુવાનોને અગ્નિવીર તરીકે ઓળખવામાં આવશે. અગ્નિપથ યોજના દેશભક્ત અને પ્રેરિત યુવાનોને સશસ્ત્ર દળોમાં ચાર વર્ષની મુદત સુધી સેવા આપવાનો માર્ગ પ્રશસ્ત કરે છે.
અગ્નિપથ યોજના સશસ્ત્ર દળોની યુવા પ્રોફાઇલને સક્ષમ બનાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. આ એવા યુવાનોને દેશની સેવા કરવાની તક પૂરી પાડશે જેઓ સમાજમાંથી યુવા પ્રતિભાઓને આકર્ષિત કરીને ગણવેશ ધારણ કરવા માંગતા હોય અને સમકાલિન ટેકનોલોજીકલ પ્રવૃત્તિઓને અનુરૂપ હોય તેમજ સમાજમાં કુશળ, અનુશાસિત અને પ્રેરિત જનશક્તિ પૂરી પાડતા હોય. એવી કલ્પના કરવામાં આવી છે કે, આ યોજનાના અમલીકરણથી ભારતીય સશસ્ત્ર દળોની સરેરાશ ઉંમરમાં લગભગ 4-5 વર્ષ સુધીનો ઘટાડો થશે. સ્વયં-શિસ્ત, ખંત અને ફોકસની તીવ્ર ભાવના ધરાવતા ઉચ્ચ પ્રેરિત યુવાનોના સંદેશાવ્યવહારથી રાષ્ટ્રને ઘણો ફાયદો થાય છે જેઓ પૂરતા પ્રમાણમાં કુશળ અને અન્ય ક્ષેત્રોમાં યોગદાન આપવા સક્ષમ હશે. રાષ્ટ્ર, સમાજ અને રાષ્ટ્રના યુવાનો માટે ટૂંકા ગાળાની સૈન્ય સેવાનો લાભ અપાર છે. આમાં દેશભક્તિ, ટીમ વર્ક, વધેલી શારીરિક તંદુરસ્તી, દેશ પ્રત્યેની વફાદારી અને બાહ્ય જોખમો, આંતરિક જોખમો અને કુદરતી આફતોના સમયમાં રાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે પ્રશિક્ષિત કર્મચારીઓની ઉપલબ્ધતાનો સમાવેશ થાય છે.
ત્રણેય સશસ્ત્ર સેવાઓની HR નીતિમાં નવા યુગની શરૂઆત કરવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક મુખ્ય સંરક્ષણ નીતિ સુધારણા છે. આ પોલિસી, જે તાત્કાલિક અસરથી અમલમાં આવશે, તે હવે પછી ત્રણેય સેવાઓ માટે નોંધણીને સંચાલિત કરશે. અગ્નિવીરોને ત્રણેય સેવામાં અમલમાં હોય તે અનુસાર જોખમ અને હાડમારી ભથ્થાઓ સાથે આકર્ષક કસ્ટમાઇઝ્ડ માસિક પેકેજ પણ આપવામાં આવશે. અગ્નિવીરોને ચાર વર્ષની મુદતના કરાર અનુસાર સેવા પૂરી કર્યા પછી, એક વખતની ચુકવણીના ધોરણે ‘સેવા નિધિ’ પેકેજ ચૂકવવામાં આવશે, જેમાં તેમણે આપેલા યોગદાનનો સમાવેશ થાય છે, તેમજ આ યોગદાન પર મળેલું વ્યાજ અને સરકાર તરફથી તેમનાં યોગદાનની સંચિત રકમના વ્યાજ સહિત આપવામાં આવેલા સમાન યોગદાનનો સમાવેશ થાય છે.