Site icon Revoi.in

ભારતઃ 2015ની સરખામણીએ 2021માં મેલેરિયાના કેસોમાં 86.45 ટકાનો ઘટાડો

Social Share

નવી દિલ્હીઃ “માત્ર નિદાન અને સારવાર જ નહીં, આપણા વ્યક્તિગત અને સામુદાયિક વાતાવરણમાં સ્વચ્છતા અને મેલેરિયા સામેની આપણી સામૂહિક લડાઈમાં અને 2030 સુધીમાં દેશમાંથી મેલેરિયાને નાબૂદ કરવાના આપણા ધ્યેયને પૂર્ણ કરવા માટે મેલેરિયા નિયંત્રણ અને નિવારણ અંગેની સામાજિક જાગૃતિ એટલી જ મહત્વપૂર્ણ છે.” તેમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણીમાં કહ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, “આરોગ્ય સંભાળ વિતરણ પ્રણાલીના પ્રગતિશીલ મજબૂતીકરણ અને બહુ-ક્ષેત્રીય સંકલન અને સહયોગમાં સુધારો કરવાની જરૂર છે”.

દર વર્ષે 25મી એપ્રિલને ‘વિશ્વ મેલેરિયા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ હતી “વૈશ્વિક મેલેરિયા રોગના બોજને ઘટાડવા અને જીવન બચાવવા માટે નવીનતાનો ઉપયોગ કરો.” ડો. માંડવિયાએ રાષ્ટ્રીય અને ઉપરાષ્ટ્રીય પ્રયાસો દ્વારા મેલેરિયા નાબૂદીને પ્રાથમિકતા આપવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટેક્નોલોજી અને નવીનતાનો લાભ ઉઠાવવાથી ભારતની મેલેરિયા નાબૂદી યોજનાને આગળ વધારવા અને આરોગ્ય, જીવનની ગુણવત્તા અને ગરીબી નાબૂદીમાં યોગદાન આપવા માટે અનુરૂપ ઉકેલો વિકસાવવામાં મદદ મળશે.

તેમણે ઉમેર્યું હતું કે ASHAs, ANMs સહિત ગ્રાઉન્ડ લેવલના ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કરોએ પાર્ટનર સંસ્થાઓ સાથે મળીને નિદાન, સમયસર અને અસરકારક સારવાર અને વેક્ટર નિયંત્રણના પગલાં વિશે જનજાગૃતિ લાવવા માટે કામ કરવાની જરૂર છે. તેમણે વધુમાં સૂચવ્યું કે ખાનગી વ્યવસાયીઓ સહિત ખાનગી ક્ષેત્રે તેમના મેલેરિયા કેસ મેનેજમેન્ટ અને રિપોર્ટિંગ અને સંબંધિત પ્રવૃત્તિઓને રાષ્ટ્રીય કાર્યક્રમ સાથે સંરેખિત કરવાની જરૂર છે. “જેમ જેમ આપણે નવીન ટેકનોલોજીના ઉપયોગ સાથે આગળ વધીએ છીએ તેમ, ભારતની “ઈ-સંજીવની” એ ટેલી-કન્સલ્ટેશન અને ટેલી-રેફરન્સિંગનો માર્ગ બતાવ્યો છે જેનો વ્યાપક સ્તરે મેલેરિયા સહિત વિવિધ આરોગ્યસંભાળ સમસ્યાઓના નિદાન અને સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે”.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે “ભારતે મેલેરિયાની ઘટનાઓ અને મૃત્યુ ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. સરકારના પ્રયાસોના પરિણામે 2015ની સરખામણીએ 2021માં મેલેરિયાના કેસોમાં 86.45% ઘટાડો થયો છે અને મેલેરિયા સંબંધિત મૃત્યુમાં 79.16 % ઘટાડો થયો છે. દેશના 124 જિલ્લાઓમાં ‘ઝીરો મેલેરિયા કેસ’ નોંધાયા છે. મેલેરિયાને નાબૂદ કરવાના અમારા ધ્યેય તરફ આ એક મોટું પગલું છે પરંતુ મેલેરિયા મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા હજુ વધુ કરવાની જરૂર છે.