નવી દિલ્હીઃ યુરોપિયન યુનિયન (EU), યુએસ અને પશ્ચિમ એશિયાના દેશો જેવા મોટા બજારોમાં પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિ હોવા છતાં ભારતની કાપડની નિકાસ આ વર્ષે મે મહિનામાં પાછલા વર્ષની સરખામણીમાં 9.59 ટકા વધી હતી.
એક અહેવાલ મુજબ, કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી (CITI) એ જણાવ્યું હતું કે, ભારતની એપરલ નિકાસમાં પણ સમાન સમયગાળા દરમિયાન 9.84 ટકાનો વધારો જોવા મળ્યો હતો. મે 2024 દરમિયાન કાપડ અને વસ્ત્રોની સંચિત નિકાસમાં ગયા વર્ષના મે કરતાં 9.70 ટકાનો વધારો નોંધાયો હતો. મે 2024 માટે દેશની એકંદર નિકાસ વધીને 68.29 બિલિયન યુએસ ડૉલર થઈ ગઈ છે.
વાણિજ્ય મંત્રાલય દ્વારા 14 જૂનના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર આ વાર્ષિક ધોરણે 10.2 ટકાનો નોંધપાત્ર વધારો હતો. આ વર્ષે એપ્રિલ-મે દરમિયાન, ભારતની કાપડની નિકાસમાં પાછલા વર્ષની સરખામણીએ 6.04 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે વસ્ત્રોની નિકાસ સમાન સમયગાળા દરમિયાન 4.46 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી.