Site icon Revoi.in

ભારતઃ લીંબુ બાદ હવે ટામેટાના ભાવમાં વધારો, કિંમત રૂ. 100ને પાર

Social Share

નવી દિલ્હીઃ મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસની પહોંચથી હવે ટામેટા અને કેરી પણ દૂર થઈ રહી છે. દેશના ઘણા શહેરો-નગરોમાં તેની કિંમત રૂ. 100ને વટાવી ગઈ છે. ટામેટા અને કેરીના પાકને સતત હીટવેવ અને અકાળે ગરમીના કારણે માઠી અસર થઈ છે. દેશમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતા ઉત્તર પ્રદેશમાં 80 ટકા ઉત્પાદનને અસર થઈ છે. પુરવઠાની અછતને કારણે કેરી અને ટામેટાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ટામેટા 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ઓછા ઉત્પાદનને કારણે આ વખતે કેરીની નિકાસને પણ અસર થવાની ધારણા છે. લીંબુના ભાવમાં આવેલા ઉછાળા બાદ હવે ટામેટાના ભાવમાં વધારો થતા પ્રજાની આર્થિક મુશ્કેલી વધી છે.

ઉત્તર પ્રદેશ દેશમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતું રાજ્ય છે, પરંતુ આ વખતે ઉત્પાદન બે દાયકામાં સૌથી ઓછું રહેવાની ધારણા છે. ગરમીના કારણે 80 ટકા પાકને નુકસાન થયું છે. ઉત્તર અને દક્ષિણના મોટાભાગના રાજ્યોમાં કેરીનો ભાવ રૂ. 100/કિલોને પાર થયો છે.  ઓછા ઉત્પાદનને કારણે કેરીની નિકાસને પણ અસર થશે.

ભારતીય શાકભાજી ઉત્પાદક સંઘના પ્રમુખ શ્રીરામ ગડવેએ જણાવ્યું હતું કે હાલમાં ટામેટાના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા નથી. જુલાઇમાં નવો પાક આવે ત્યારે થોડી નરમાશ આવી શકે છે. દેશમાં ટામેટાના વધતા ભાવથી સરકારની મુશ્કેલી વધી શકે છે કારણ કે તેનો ઘરે-ઘરે ઉપયોગ થાય છે. ખાદ્ય મોંઘવારી રોકવા માટે સરકાર તમામ સંભવિત પગલાં લઈ રહી છે. એપ્રિલમાં ફુગાવો 8.38 ટકા પર પહોંચ્યો હતો, જે 17 મહિનામાં તેની સૌથી ઊંચી સપાટી છે. ખાસ કરીને મોંઘી ખાદ્ય ચીજોને કારણે મોંઘવારી વધી છે. ગડવેએ જણાવ્યું હતું કે, આબોહવાની સ્થિતિમાં ફેરફારને કારણે ટામેટાના પાક પર જંતુઓનો હુમલો થયો હતો. જેના કારણે પુરવઠામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

તેમણે કહ્યું કે, અગાઉ એક એકરમાં 10 ટન ટામેટાંનો પાક થતો હતો જે હવે ઘટીને ત્રણ ટન થઈ ગયો છે. પરંતુ ગરમીના કારણે ટામેટાના ફૂલો મુરઝાઈ રહ્યા છે અને તેની અસર ઉત્પાદન પર પણ પડી રહી છે. દેશમાં દર વર્ષે 21 થી 23 મિલિયન ટન ટામેટાંનું ઉત્પાદન થાય છે. ગરમીથી ટામેટાના પાકને માઠી અસર થઈ છે. તેવી જ રીતે ઉનાળાની વહેલી શરૂઆત અને ગરમીનું મોજુ ચાલુ રહેવાના કારણે કેરીના પાકને પણ અસર થઈ છે.