નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું છે કે અન્ય કોઈ પાડોશીની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં. ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠનની આગામી પરિષદ દરમિયાન ભારત પાકિસ્તાન સાથે તેના સંબંધો અંગે ચર્ચા કરશે નહીં. તેમણે આજે નવી દિલ્હીમાં IC સેન્ટર ફોર ગવર્નન્સ દ્વારા આયોજિત વહીવટીતંત્ર પરના સરદાર પટેલ લેક્ચરમાં ભાગ લેતા પત્રકારો સાથે વાતચીત કરી હતી.
ડૉ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે પરિષદમાં તેમની સહભાગિતા બહુપક્ષીય સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરશે. ડો. જયશંકરે કહ્યું કે સાર્ક મામલે પ્રગતિ થઈ રહી નથી કારણ કે તાજેતરના વર્ષોમાં બેઠકો થઈ નથી. તેમણે કહ્યું કે તેનું કારણ એ છે કે એક સભ્ય દેશ બીજા દેશ વિરુદ્ધ સરહદપાર આતંકવાદમાં સામેલ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પરિસ્થિતિ સાર્ક માટે સામાન્ય રીતે કામ કરવું મુશ્કેલ બનાવે છે. ડૉ. જયશંકરે કહ્યું કે આતંકવાદ અસ્વીકાર્ય છે અને જો કોઈ પાડોશી દેશ તેને ચાલુ રાખશે તો સાર્કમાં બધું સામાન્ય નહીં થઈ શકે.