ભારત અને ડેનમાર્ક સંરક્ષણ,સુરક્ષા અને નવી ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભાગીદારી માટે સહમત
નવી દિલ્હીઃ ભારત અને ડેનમાર્ક સંરક્ષણ, સુરક્ષા અને નવી ટેકનોલોજી સહિતના નવા ક્ષેત્રોમાં તેમની ભાગીદારીને વિસ્તારવા માટે કામ કરવા સહમત થયા છે. વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં ડેનિશ વિદેશ મંત્રી લાર્સ લોકે રાસમુસેન સાથે મુલાકાત કરી હતી.
આ બેઠક દરમિયાન બંને મંત્રીઓએ પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વર્ષ 2024 એ ભારત અને ડેનમાર્ક વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75મા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. બંને મંત્રીઓએ સંયુક્ત લોગોનું પણ અનાવરણ કર્યું હતું.
આ બેઠકમાં ભારત-ડેનમાર્ક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના મહત્વના પરિણામો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બંને દેશો 2024ની શરૂઆતમાં ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની મધ્ય-ગાળાની સમીક્ષાને અંતિમ સ્વરૂપ આપવા સહમત થયા હતા. બંને પક્ષોએ ઈન્ડો-પેસિફિક મહાસાગર પહેલમાં ડેનમાર્કના યોગદાનને શોધવાનો પણ નિર્ણય કર્યો.
બંને દેશો 2026 માં વર્તમાન સંયુક્ત કાર્યકારી યોજનાની સમાપ્તિ પછી વ્યાપક ગ્રીન વ્યૂહાત્મક ભાગીદારી માટે ઉન્નત વ્યૂહાત્મક પરિપ્રેક્ષ્ય તરફ કામ કરવા સંમત થયા હતા. બંને મંત્રીઓએ ભારત અને ડેનમાર્ક વચ્ચે ઈમિગ્રેશન પાર્ટનરશિપ એગ્રીમેન્ટ પર પણ હસ્તાક્ષર કર્યા. બંને દેશોએ ડેનમાર્કમાં રોજગાર માટે ભારતીય આરોગ્ય વ્યાવસાયિકોની ભરતી પર ભાગીદારી સ્થાપવાની શક્યતાઓ શોધવાનો પણ નિર્ણય કર્યો.