જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર બે દિવસની શાંતિ બાદ પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાને શુક્રવારે મોડી રાત્રે પુંછના કરની સેક્ટરમાં ફાયરિંગ શરૂ કર્યું હતું. જો કે ભારતીય સેના દ્વારા તાત્કાલિક મોરચો સંભાળી લેવામાં આવ્યો હતો અને પાકિસ્તાનના ગોળીબારની સામે આકરી વળતી કાર્યવાહી કરવામાં આ હતી. આ ફાયરિંગમાં એક એસપીઓ ગંભીરપણે ઈજાગ્રસ્ત થયો છે.
તો કિશ્તવાડમાં ડેપ્યુટી કમિશનરના પીએસઓ પાસેથી આંતકવાદીઓ એકે-47 આંચકી ગયા હોવાના અહેવાલ છે. આ ઘટના બાદ પોલીસે આખા વિસ્તારની નાકાબંધી કરીને તલાશી અભિયાન શરૂ કર્યું છે.
શુક્રવારે પુંછ જિલ્લામાં ભારતીય અને પાકિસ્તાની સેનાઓ વચ્ચે ફરી એખવાર ગોળીબાર થયો છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફિનેન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે ક્હ્યુ છે કે પાકિસ્તાને શાહપુર અને કરની સેક્ટરમાં મોર્ટાર શેલિંગ અને નાના હથિયારોથી ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાને કોઈપણ ઉશ્કેરણી વગર શસ્ત્રવિરામ ભંગ કર્યો છે.
સંરક્ષણ મંત્રાલય પ્રમાણે શસ્ત્રવિરામ ભંગ સાંજે લગભગ છ વાગ્યે શરૂ થયો હતો. ભારતીય ચોકીઓએ જોરદાર અને અસરકારક વળતી કાર્યવાહી કરી હતી. પોલીસે કહ્યું છેકે પાકિસ્તાની ગોળીબારમાં એસપીઓ સૈયદ શાહ ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની નિયંત્રણ રેખા પર ગત બે દિવસથી શાંતિ હતી અને શુક્રવારે ફરીથી બંને દેશોની સેનાઓની વચ્ચે અહીં ફાયરિંગ થયું હતું.
પુલવામા એટેક બાદ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બાજ આવતું નથી. ભારત દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે.
શુક્રવારે સાંજે કાશ્મીરના પુંછ જિલ્લામાં પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ કરાયા બાદ અહીં તણાવ છે. ગત બે સપ્તાહથી ચાલી રહેલા ફાયરિંગમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે અને એક ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેને કારણે નિયંત્રણ રેખા નજીક રહેતા લોકોમાં દહેશતનો માહોલ છે.