Site icon Revoi.in

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષને પગલે ભારતની તમામને સંયમ જાળવવા અપીલ

Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલય દ્વારા, એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,’ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટથી ભારત ગંભીર રીતે ચિંતિત છે. તેનાથી પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા જોખમાય છે. અમે તાત્કાલિક તણાવ દૂર કરવા, સંયમ, હિંસાથી પીછેહઠ અને મુત્સદ્દીગીરીના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કરીએ છીએ.’ મંત્રાલયે કહ્યું કે,” તે બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ભારતીય દૂતાવાસો ભારતીય સમુદાય સાથે ગાઢ સંપર્કમાં છે. તે મહત્વનું છે કે, પ્રદેશમાં સુરક્ષા અને સ્થિરતા જળવાઈ રહે.” આ દરમિયાન ભારત સરકારે ઈઝરાયલમાં વસવાટ કરતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. ઈરાને ઈઝરાયલ ઉપર કહેલા હુમલા બાદ ભારત સરકારે ચિંતા વ્યક્ત કરીને શાંતિ જાળવવા અપીલ કરી છે.

ઈરાને રવિવારે સવારે ઈઝરાયલ પર 200થી વધુ મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા. સીરિયામાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર, થયેલા હુમલા બાદ આ જવાબી કાર્યવાહી હોવાનું કહેવાય છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) અનુસાર, આ એક લક્ષ્યાંકિત હુમલો છે. દરમિયાન હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર મોટો હુમલો કર્યો હતો. ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહે ગાલીલીના ઉત્તરીય વિસ્તાર પર એક સાથે 40 થી વધુ રોકેટ છોડ્યા અને આ રોકેટ હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી. લેબનોનમાં ઈરાનના હિઝબુલ્લાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે ઉત્તરી ઈઝરાયેલમાં ઈઝરાયેલી આર્મી આર્ટિલરીને નિશાન બનાવીને ડઝનબંધ રોકેટ છોડ્યા હતા.