અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે એએમસીના “મિશન મિલિયન ટ્રી” અન્વયે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ નાનો પણ ખૂબ મહત્વનો છે, છેલ્લા ત્રણ વર્ષમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રને હરિયાળું બનાવવા અનેકવિધ પહેલ કરવામાં આવી છે. કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં 4.22 કરોડ જેટલા વૃક્ષો પેરા મિલિટરીના પરેડ ગ્રાઉન્ડ અને કેમ્પસમાં વાવવામાં આવ્યા હતા જે પૈકી આજે 4.12 કરોડ વૃક્ષો ખૂબ સરસ ઉછર્યા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આપણે જેટલું પ્રદૂષણ કરીએ છીએ તે પ્રમાણમાં કુદરતને પાછું ચૂકવવું પણ જોઈએ તો જ આપણે દેવું ભરપાઈ કરી શકીશું. વેદો અને ઉપનિષદોમાં પણ ઈશ્વરની કલ્પના પ્રકૃતિથી કરવામાં આવી છે. પ્રકૃતિનું દોહન થાય પણ શોષણ ન થાય, પ્રકૃતિનું જતન એ પૃથ્વીના જતનનો એક માત્ર ઉપાય છે. ભારતમાં સોલાર એલાયન્સ અને ક્લીન એનર્જીના વપરાશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ફ્રાન્સમાં આખી સમિટ તૂટી પડે તેમ હતી ત્યારે નરેન્દ્ર મોદીના પ્રયત્નોને કારણે પશ્ચિમના દેશોને સમજાવવામાં આપણે સફળ થયા અને તે સમિટ પુનઃજીવિત થઈ. વધતા પ્રદૂષણ અને કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોકસાઇડના કારણે અવકાશમાં ઓઝોનનું સ્તર પાતળું થયું છે અને મોટા છિદ્રો નિર્મિત થયા છે આ ઓઝોન સ્તર જ સૂર્યની ગરમીની તીવ્રતાને ઘટાડે છે આ સ્તર જો નબળું પડે તો પૃથ્વી જીવવા લાયક ન રહે આજે તેના કારણે જ તાપમાન વધી રહ્યું છે.
કાર્બન ડાયોક્સાઈડની અસર ઘટાડવા, જમીનનું ધોવાણ અટકાવવા, નદીના સંરક્ષણ માટે, વન્ય જીવો, પક્ષીઓની પ્રજાતિ બચાવવા, નિરોગી રહેવા વૃક્ષારોપણ એક માત્ર ઉપાય છે. કોરોના કાળમાં ઓક્સિજનની કિંમત આપણને સમજાઈ છે એટલે જ તેને પ્રાણવાયુ કહે છે. વિશ્વમાં પ્રદૂષણ નિયંત્રણ માટે અનેકવિધ પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ તે પૂરતા નથી પ્રાણવાયુની માત્રા વૃક્ષોથી જ જળવાઈ શકશે.