ભારતીય વાયુસેનાની પાકિસ્તાન પર કરવામા આવેલી એરસ્ટ્રાઈક બાદ પહેલી તસવીર સામે આવી છે. પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા તબાહ કરવામાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાની પહેલી તસવીર સામે આવી છે. ભારતે પાકિસ્તાનના બાલકોટ, મુઝફ્ફરાબાદ અને ચકોઠીમાં હજાર કિલોગ્રામના બોમ્બ વરસાવ્યા છે.
સૂત્રોનું કહેવું છે કે આતંકવાદીઓના ઠેકાણા પર ભારતીય વાયુસેનાએ મોટી સંખ્યામાં બોમ્બમારો કર્યો છે. આતંકવાદીઓના આ ઠેકાણા પર 200 એકે-47 રાઈફ્લસ, મોટી સંખ્યામાં હેન્ડ ગ્રેનેડ, વિસ્ફોટક અને ડેટોનેટર્સ હતા. જૈશ-એ-મોહમ્મદના આ ઠેકાણાને ભારતીય વાયુસેનાએ સંપૂર્ણપણે નેસ્તોનાબૂદ કરી દીધુ છે.
સૂત્રોનું કહેવું છે કે આ ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી છે. આ કોઈ યુદ્ધ માટે અથવા સેના પર કરવામાં આવેલી કાર્યવાહી નથી. બાલાકોટ ખાતે સુસાઈડ બોમ્બિંગ ટ્રેનિંગ સેન્ટરને સંપૂર્ણપણે તબાહ કરી દેવામાં આવ્યું છે અને આ કાર્યવાહીમાં ત્રણસો જેટલા આતંકવાદીઓ માર્યા ગયા છે.
મહત્વપૂર્ણ છે કે ભારતીય વાયુસેનાના 12 મિરાજ-2000 યુદ્ધવિમાનોની મદદથી પાકિસ્તાનમાં આવેલા ટેરર કેમ્પો પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. ભારતે આ કાર્યવાહી પુલવામા આતંકવાદી હુમલા બાદ કરી છે. 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ફિદાઈન એટેક કર્યો હતો. જેમાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા.
ભારતીય વાયુસેનાની કાર્યવાહી પર પાકિસ્તાનનું કહેવું છે કે ભારતીય વાયુસેનાના વિમાન સીમામાં પ્રવેશ્યા હતા. પરંતુ પાકિસ્તાનની કાર્યવાહી બાદ આ યુદ્ધવિમાનો પાછા ફર્યા હતા. જો કે જાણકારી મુજબ, આ ઘટનામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. ભારતની કાર્યવાહીની ચર્ચા વિદેશી મીડિયામાં થઈ રહી છે.
ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાનના વિદેશ પ્રધાને ઈમરજન્સી બેઠક બોલાવી હતી. તેની સાથે પાકિસ્તાની સેનાને પણ એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાએ 1971 બાદ પહેલીવાર સીમાપાર જઈને એર સ્ટ્રાઈક કરી છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શાહબાઝ શરીફે પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ટીવીને જણાવ્યું છે કે દિલ્હીમાં પાકિસ્તાનનો ઝંડો ફરકાવીશું.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યુ છે કે આ ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ ઘોર આક્રમકતા હતી. આ એલઓસીનું ઉલ્લંઘન છે અને પાકિસ્તાનને જવાબી કાર્યવાહી તથા આત્મરક્ષાનો અધિકાર છે.
પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ આરિફ અલ્વીનું કહેવું છે કે પાકિસ્તાનની આર્મ્ડ ફોર્સિસ મજબૂત છે. પાકિસ્તાનને આતંકવાદને રોકી દીધો છે. પાકિસ્તાનની આર્મ્ડ ફોર્સને સૌથી વધુ અનુભવ છે. કોઈ એ વિચારે નહીં કે તમે પાકિસ્તાનને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચી શકો છો. પાકિસ્તાન ખુદની સુરક્ષા કરવાનું જાણે છે.