નવી દિલ્હીઃ કેટલાક રાજકીય કારણોસર મુંબઈ હુમલાના અનેક ગુનેગારો અને મદદગારો પર પ્રતિબંધ મુકવાના અમારા પ્રયાસો અટકાવવામાં આવી રહ્યાનું ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને રાજદૂત રૂચિરા કંબોજે પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વિના 26/11 મુંબઈ આતંકવાદી હુમલા મુદ્દે તેમના વલણને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.
ભારતીય સરકારે આતંકવાદ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું સ્ટેન્ડ અગાઉ જાહેર કર્યું છે અને આતંકવાદની સામે આતરી કાર્યવાહી કરવાની દુનિયાના અન્ય દેશોને અપીલ કરવામાં આવે છે. અમેરિકા સહિત દુનિયાના અનેક દેશો આતંકવાદની વિરોધમાં લંબાણપૂર્વકની લડાઈ લડી રહ્યાં છે. તેમજ અનેકવાર આંતરરાષ્ટ્રીય સ્તર પર આતંકવાદ સામે સાથે મળીને લડાઈ લડવાની અપીલ કરાઈ હતી.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને રાજદૂત રૂચિરા કંબોજે કહ્યું કે આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો છે. ISIS અને અલ-કાયદાથી જોડાયેલા અને પ્રેરિત જૂથો તેમની યોજનાઓ પૂર્ણ કરતી વખતે ખાસ કરીને એશિયા અને આફ્રિકામાં નાગરિકો અને સુરક્ષા દળોને નિશાન બનાવી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આપણે એ ન ભૂલવું જોઈએ કે નવેમ્બર 2008માં 10 આતંકવાદીઓ દરિયાઈ માર્ગે પાકિસ્તાનથી મુંબઈ શહેરમાં પ્રવેશ્યા હતા, તેમણે ચાર દિવસ સુધી શહેરમાં તબાહી મચાવી હતી, જેમાં 26 વિદેશી નાગરિકો સહિત 166 લોકો માર્યા ગયા હતા. આ આતંકવાદી હુમલાના કાવતરાખોરો અને સુત્રધારોને પ્રતિબંધિત કરવાના અમારા પ્રયાસો રાજકીય કારણોસર અટકી રહ્યા છે, જેના કારણે તેઓ હજુ પણ મુક્ત રીતે ફરી રહ્યાં છે.