દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ હવે ધીરે-ધીરે ઘટી રહ્યાં છે. જો કે, કોરોનાનો ભય હજુ લોકોને સતાવી રહ્યો છે. દરમિયાન પ્રાણીઓ અને પશુઓમાં આ રોગચાળો ના વકરે તેની ચિંતામાં પશુપ્રેમીઓ ગરકાવ થઈ ગયા છે. દરમિયાન માણસોમાંથી આ જીવલેણ વાયરસ પ્રાણીઓમાં ન ફેલાય તે માટે દેશના તમામ વાઘ અભ્યારણ્યો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેશનાં નેશનલ ટાઈગર ક્ધર્ઝરવેશન ઓથોરીટીનાં નિર્દેશ મુજબ તમામ વાઘ અભ્યારણ્યોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નેશનલ ટાઈગર ક્ધર્ઝવેશન ઓથોરીટીનાં નવાં દિશા નિર્દેશોમાં સંભવિત કોરોનાના સંક્રમણને કારણે તામીલનાડુનાં વંડાલર ઝુમાં એક સિંહના મોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઝુનાં અન્ય કેટલાંક સિંહોમાં પણ આ બિમારીનાં લક્ષણો જોવા મળ્યાની આશંકા વર્તાઈ હતી.
જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જુનમાં પ્રાણીઓ કોરોના સંક્રમિત થયાનાં આ દાખલા ફરીવાર જોવા મળે તેવી શકયતા છે. કોરોનાથી પ્રભાવિત વ્યકિતઓને બહાર નીકળવા પર પ્રતિબંધ જરૂરી છે. સિંહોમાં જોવા મળેલા સંભવિત કોરોનાના લક્ષણો હવે વાઘ અભ્યારણ્યમાં પણ આ સ્થિતિ પેદા ન થાય તે માટે ત્યાં પર્યટકોનાં પ્રવેશ પર રોક લગાવવી ખુબ જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં એશિયનટીક લાયનનું ઘર ગણાતા સાસણગીરમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રવાસીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હવે દેશના વાઘ અભ્યારણયમાં પ્રવાસીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કે, બીજી તરફ કોરોનાના કેસમાં ઘટાડો થતા તંત્ર દ્વારા ધીરે-ધીરે વેપાર-ધંધા શરૂ કરવામાં આવ્યાં છે. તેમજ ગુજરાતના સુપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.