Site icon Revoi.in

ભારતઃ 1 જુલાઈથી અધિસૂચિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષ 2022ના અંત સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓને તબક્કાવાર રીતે સંપૂર્ણપણે દૂર કરવાની અપીલને અનુરૂપ ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલયે 12 ઓગસ્ટ, 2021ના રોજ પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપનના સંશોધિત નિયમો, 2021ને અધિસૂચિત કર્યો હતો. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવાના ઉત્સાહને આગળ વધારીને દેશવાસીઓ દ્વારા કચરા અને નિકાલ ન થતા હોય એવા પ્લાસ્ટિકના કચરાથી પેદા થતા પ્રદૂષણને ઘટાડવા એક નિર્ણાયક પગલું લીધું છે. ભારત ઓછો વપરાશ ધરાવતી અને કચરો પેદા કરવાની વધારે સંભવિતતા ધરાવતી ઓળખ કરાયેલી સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને વપરાશ પર 1 જુલાઈ, 2022થી સમગ્ર દેશમાં પ્રતિબંધ મૂકશે.

જમીન અને દરિયાઈ એમ બંને પ્રકારના પારિસ્થિતિક તંત્રો પર સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાની નુકસાનકારક અસર થાય છે, જેમાં દુનિયાભરમાં દરિયાઈ પર્યાવરણ થયેલી અસરો જાણીતી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના કારણે થતા પ્રદૂષણની સમસ્યા મહત્વપૂર્ણ પર્યાવરણલક્ષી પડકાર બની ગઈ છે, જેનો સામનો દુનિયાના તમામ દેશો કરી રહ્યાં છે.

વર્ષ 2019માં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની ચોથી પર્યાવરણ સભામાં ભારતે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદનોના પ્રદૂષણની સમસ્યા પર એક સંકલ્પ લીધો હતો અને આ અતિ મહત્વપૂર્ણ મુદ્દા પર વૈશ્વિક સમુદાયે ધ્યાન કેન્દ્રીત કરવાની તાતી જરૂર હોવાનું સ્વીકાર્યું હતું. યુએનઇએ 4માં આ સંકલ્પનો સ્વીકાર એક નોંધપાત્ર પગલું હતું. તાજેતરમાં માર્ચ, 2022માં સંયુક્ત રાષ્ટ્રની પાંચમી પર્યાવરણ સભાની બેઠક સંપન્ન થઈ હતી, જેમાં ભારતે પ્લાસ્ટિકના પ્રદૂષણ પર વૈશ્વિક કામગીરી કરવા માટે સંકલ્પ પર તમામ સભ્ય દેશો સાથે રચનાત્મક જોડાણ કર્યું હતું.

પ્રતિબંધિત ચીજવસ્તુઓમાં પ્લાસ્ટિકની સ્ટિક સાથે ઇયર બડ્સ, ફુગ્ગાઓ માટે પ્લાસ્ટિકની સ્ટિક, પ્લાસ્ટિકના ધ્વજ, કેન્ડી સ્ટિક્સ, આઇસ-ક્રીમ સ્ટિક્સ, સુશોભન માટે પોલીસ્ટાયરિન (થર્મોકોલ), પ્લાસ્ટિકની પ્લેટ, કપ, ગ્લાસ, કાંટા, ચમચી, છરી, સ્ટ્રો, ટ્રે જેવી કટલેરી, મીઠાઈના બોક્ષ ફરતી રેપિંગ કે પેકિંગ ફિલ્મ, ઇન્વિટેશન કાર્ડ, સિગારેટના પેકેટ, 100 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતાં પ્લાસ્ટિક કે પીવીસી બેનર્સ, સ્ટિરર્સનો સમાવેશ થાય છે. પ્લાસ્ટિકના કચરાના વ્યવસ્થાપનના સંશોધિન નિયમો, 2021 પણ 30 સપ્ટેમ્બર, 2021થી 75 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી તથા 31 ડિસેમ્બર, 2022થી 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિક કેરી બેગના ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.