Site icon Revoi.in

ભારત-બાંગ્લાદેશ વચ્ચે મોંગલા બંદરને અદ્યતન વિકાસ માટે સમજૂતી કરાર

Social Share

નવી દિલ્હીઃ ભારત પડોશી દેશો સાથે સંબંધ વધારે મજબુત બનાવવાની દીશામાં સતત આગળ વધી રહ્યું છે, એટલું જ નહીં કોરોના મહામારીમાં પડોશી ધર્મ નિભાવીને પાકિસ્તાન અને ચીન સિવાયના પડોશી દેશોને કોરોનાની રસી મોકલવામાં આવી હતી. તેમજ આર્થિક મદદ પુરી પાડવામાં આવી રહી છે. દરમિયાન ભારત અને બાંગ્લાદેશે ઢાકામાં મોંગલા બંદરના અદ્યતન વિકાસ માટેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર મોંગલા પોર્ટના નવીનીકરણની પરિયોજના ભારતના ચાર અબજ 50 કરોડ અમેરિકન ડોલરના ખર્ચે હાથ ધરવામાં આવી રહી છે. આ પરિયોજનાના કારણે વેપાર – વાણિજ્યમાં સુધારો થવા સાથે સમગ્ર પ્રદેશના વિકાસને વેગ મળશે. આ બંદરનો વિકાસ માત્ર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જ નહીં પરંતુ ભૂતાન અને નેપાળથી પણ માલ- સામાનની હેરફેર માટે દરિયાઈ સંપર્કમાં વધારો કરશે.

બાંગ્લાદેશના શીપિંગ રાજ્યમંત્રી ખાલિદ મહમ્મદ ચૌધરી સાંસદ, મુખ્ય અતિથિ અને બાંગ્લાદેશ ભારતના દૂત પ્રણય વર્મા અને શિપિંગ મંત્રાલયના સચિવ મુસ્તફા કમલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વર્માએ કહ્યું હતું કે, ભારતની વૈશ્વિક વિકાસ સહાયતાનો ચોથો ભાગ બાંગ્લાદેશમાં વિવિધ પરિયોજનાઓ માટે આપવામાં આવ્યો છે. આ પરિયોજનાઓથી ભારત – બાંગ્લાદેશના આર્થિક સંબંધ મજબૂત થશે, ઉપરાંત સમગ્ર પ્રદેશની અર્થવ્યવસ્થા વધુ સારી થશે.