નવી દિલ્હી: ભારતે પોતાના પરંપરાગત પ્રતિસ્પર્ધી પાકિસ્તાન વિરુદ્ધ આઈસીસી વર્લ્ડ કપ મુકાબલામાં અજેય ક્રમ યથાવત રાખ્યો છે. રવિવારે ટીમ ઈન્ડિયાએ મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી મેચમાં પાકિસ્તાનને 89 રન સાથે હરાવતા સતત સાતમી જીત પ્રાપ્ત કરી છે. આ જીત સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમાંકે પહોંચી ગઈ છે. આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના ચાર મુકાબલા થયા છે, જેમાં તેણે ત્રણમાં જીત પ્રાપ્ત કરી છે અને એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
ભારતીય ટીમ સાત અંક સાથે ત્રીજા સ્થાને છે. આઠ અંક સાથે ઓસ્ટ્રેલિયા પહેલા, જ્યારે સાત અંક સાથે ન્યૂઝીલેન્ડ બીજા સ્થાન પર છે. આઈસીસી વર્લ્ડ કપ – 2019ના પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન નવમા સ્થાને છે. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની પાંચ મેચમાંથી ત્રણમાં હાર અને એકમાં જીત થઈ છે. જ્યારે પાકિસ્તાનની એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ છે.
મહત્વપૂર્ણ છે કે મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં ભારતે પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપમાં પોતાની સૌથી મોટી જીત પ્રાપ્ત કરી છે. આના પહેલા ટીમ ઈન્ડિયાએ 2015માં પાકિસ્તાનને એડિલેડમાં 76 રનથી મ્હાત આપી હતી. ભારત માટે આ જીત એટલા માટે પણ મહત્વની છે, કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલા જે મેચ રમાઈ હતી, તે હતી ચેમ્પિયન્સ ટ્રોફી-2017ની ફાઈનલ જેમાં ભારતને હાર મળી હતી.