નવી દિલ્હીઃ ભારતીય ટીમે પાંચમી અને અંતિમ T-20 મેચમાં ઝિમ્બાબ્વેને 42 રને હરાવ્યું અને પાંચ મેચની શ્રેણી 4-1થી જીતી લીધી. રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં યજમાન ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેની આખી ટીમ 18.3 ઓવરમાં 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
168 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ઝિમ્બાબ્વેની શરૂઆત ખરાબ રહી હતી. પહેલી જ ઓવરમાં ઓપનિંગ બેટ્સમેન વેસ્લી માધવેરે ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા. બેનેટ 10 રન બનાવી શક્યો હતો. ઝિમ્બાબ્વેની ત્રીજી વિકેટ તદીવનાશે મારુમાનીના રૂપમાં પડી હતી. તે 27 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ડીયોન માયર્સ 13મી ઓવરમાં 32 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. બીજી જ ઓવરમાં કેપ્ટન સિકંદર રઝા પણ 8 રન બનાવીને રનઆઉટ થયો હતો. આ પછી યજમાન ટીમની એક પછી એક વિકેટો પડતી રહી. આ રીતે ઝિમ્બાબ્વેની ટીમ 18.3 ઓવરમાં 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મુકેશ કુમાર સૌથી સફળ બોલર રહ્યો, જેણે 4 વિકેટ લીધી. જ્યારે શિવમ દુબેને 2 સફળતા મળી હતી. જ્યારે વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા અને તુષાર દેશપાંડેએ એક-એક વિકેટ લીધી હતી.
મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. ટીમે ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન શુભમન ગિલ દ્વારા ઝડપી શરૂઆત કરી હતી. યશસ્વી 5 બોલમાં બે સિક્સરની મદદથી 13 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી અભિષેક શર્મા 14 રન બનાવીને આઉટ થયો હતો અને કેપ્ટન ગિલ 13 રન બનાવીને આઉટ થયો હતો. પાવરપ્લેમાં ભારતીય ટીમે 44 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી સંજુ સેમસન અને રેયાન પરાગે ઈનિંગને સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી હતી. પરાગ 15મી ઓવરમાં 22 રન બનાવીને આઉટ થયો હતો.
બીજા છેડે સંજુ સેમસને તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની બીજી અડધી સદી 39 બોલમાં ફટકારી હતી. સેમસન 45 બોલમાં ચાર છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 58 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. શિવમ દુબે અને રિંકુ સિંહે છેલ્લી ઓવરોમાં કેટલાક મોટા શોટ ફટકાર્યા હતા, જેના કારણે ભારતીય ટીમનો સ્કોર 20 ઓવરમાં 6 વિકેટે 167 રન સુધી પહોંચી ગયો હતો. દુબેએ 12 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા. જ્યારે રિંકુ 11 અને વોશિંગ્ટન સુંદર એક રન બનાવીને અણનમ રહ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી બ્લેસિંગ મુઝારાબાનીએ બે વિકેટ લીધી હતી જ્યારે સિકંદર રઝા, રિચર્ડ નગારાવા અને બ્રાન્ડોન માવુથાને એક-એક વિકેટ મળી હતી.