નવી દિલ્હી : ભારત સરકારે પાકિસ્તાનને એક મોટો આંચકો આપ્યો છે. પાકિસ્તાનથી આયાત કરાતી તમામ વસ્તુઓ પર 200 ટકા ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ સોમવારે રાજ્યસભામાંથી પારીત થઈ ગયો છે. મહત્વપૂર્ણ છે કે પુલવામા એટેક બાદ ભારતે પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો રદ્દ કર્યો હતો.
તેના સિવાય રાજ્યસભાએ મસૂર, બોરિક એસિડ અને ડાયગ્નોસ્ટિક તથા લેબોરેટરી રીઝેન્ટ્સ પર પણ બેસિક સીમાશુલ્ક વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
પ્રસ્તાવમાં મસૂર પર બીસીડી 40 ટકાથી વધીને 50 ટકા કરવાની માગણી કરવામાં આવી હતી. બોરિક એસિડ પર સીમાશુલ્ક 17.5 ટકાથી વધારીને 27.5 ટકા થઈ જશે. ત્યારે ડાયગ્નોસ્ટિક હેઠળ શુલ્ક 20 ટકાથી વધીને 30 ટકા થઈ જશે.
કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ તરફથી બંને ધારાકીય પ્રસ્તાવો રજૂ કર્યા અને તેનો ધ્વનિમતથી સ્વીકાર કરવામાં આવ્યો હતો. પહેલા પ્રસ્તાવમાં સીમાશુલ્ક અધિનિયમ 1975ની પહેલી અનુસૂચિના પ્રકરણ 98 હેઠળ નવા શુલ્કની જોગવાઈમાં સામેલ કરવા માટે ફેબ્રુઆરી-2019માં જાહેર નોટિફિકેશનને મંજૂરી પ્રદાન કરવાની માગણી કરવામાં આવી છે. તેના પ્રમાણે પાકિસ્તાનથી આયાતિત તમામ વસ્તુઓ પર સીમાશુલ્ક વધારીને 200 ટકા કરવાનો ઉલ્લેખ છે.
મહત્વપૂર્ણ છે કે ગત વર્ષ પુલવામા આતંકવાદી હુમલા બાદથી જ બંને દેશોના સંબંધોમાં કડવાશ છે. ભારત વારંવાર પાકિસ્તાનને એ ચેતવણી આપતું રહે છે કે તે પોતાની જમીન પરથી વિકસેલા આતંકવાદ પર ગાળિયો કસે. પરંતુ તેના વલણમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. તાજેતરમાં તો ગજબ થઈ ગયો, જ્યારે આતંકવાદી બરુહાન વાનીની વરસીના પ્રસંગે પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે તેને હીરો ગણાવ્યો હતો.
કાશ્મીરને લઈને એક ટ્વિટ કરતા ગફૂરે લખ્યું છે કે આગામી પેઢીના સારા આવતીકાલ માટે આજના હીરો પોતાના જીવ આપી રહ્યા છે. સ્પષ્ટ છે કે ફરી એકવાર પાકિસ્તાને સાબિત કર્યું છે કે તે હંમેશા આતંકવાદીઓની તરફદારી કરતું રહે છે.
એવું લાગી રહ્યું છે કે ચીન-અમેરિકા ટ્રેડ વોરની જેમ ભારત અને પાકિસ્તાનમાં ટ્રેડ વોર શરૂ થઈ શકે છે. જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપારનું પ્રમાણ ઘણું ઓછું છે. જુલાઈથી જાન્યુઆરી 2018-19 વચ્ચે બંને દેશો વચ્ચે 1.12 અબજ ડોલરનો વેપાર થયો હતો.