ભારતે રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભરતામાં તોડ્યો રેકોર્ડ,પહેલી વખત ડીફેન્સ પ્રોડક્શન એક લાખ કરોડને પાર
દિલ્હી: ભારતે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતામાં છલાંગ લગાવીને નવો રેકોર્ડ હાંસલ કર્યો છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23માં પ્રથમ વખત સંરક્ષણ ઉત્પાદન 1 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. ગયા વર્ષના આંકડાઓની વાત કરીએ તો તેની સરખામણીમાં તેમાં લગભગ 12 ટકાનો વધારો થયો છે. સંરક્ષણ ક્ષેત્રમાં સ્થાનિક ઉત્પાદન વધારીને ભારત આત્મનિર્ભરતા તરફ મજબૂતીથી આગળ વધી રહ્યું છે.
વિદેશમાંથી ભારતના અનેક હથિયારોની માંગ છે. ભારતની બ્રહ્મોસ મિસાઈલ, આકાશ મિસાઈલ સિસ્ટમ્સ, રડાર, ડોર્નિયર-228, 155 એમએમ એડવાન્સ ટોવ્ડ આર્ટિલરી ગન્સ (એટીએજી), સિમ્યુલેટર, માઈન પ્રોટેક્ટેડ વ્હીકલ, આર્મર્ડ વ્હીકલ, પિનાકા રોકેટ અને લોન્ચર, દારૂગોળો, થર્મલ ઈમેજર, બોડી આર્મર, સિસ્ટમ, લાઈન રિપ્લેસિબિલ યુનિટ્સ અને એવિયોનિક્સ વિશ્વના ઘણા દેશોમાં માંગમાં છે. ભારતના એલસીએ તેજસ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર અને એરક્રાફ્ટ કેરિયરની માંગ પણ ઘણા દેશોમાં વધી રહી છે.
તાજેતરમાં રક્ષા વિભાગે 928 ઉત્પાદનોની સૂચિ બહાર પાડી છે, જે ફક્ત ભારતમાં જ બનાવવામાં આવશે. તેમજ આગામી વર્ષોમાં તેમની આયાત પર પ્રતિબંધ મુકવામાં આવશે. આયાત ઘટાડવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 928 લાઇન રિપ્લેસમેન્ટ યુનિટ્સ (LRU), સબ-સિસ્ટમ્સ, સ્પેર અને કમ્પોનન્ટ્સ, હાઇ-એન્ડ મટિરિયલ્સ અને સ્પેર્સની ચોથી સૂચિ બહાર પાડી. નાણાકીય વર્ષ 2022-23માં સંરક્ષણ ઉત્પાદન લગભગ 1.07 લાખ કરોડ સુધી પહોંચ્યું.
ભારતના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે દેશના સંરક્ષણ ઉત્પાદનનું મૂલ્ય એક લાખ કરોડ રૂપિયા એક ટ્રિલિયનના આંકને વટાવી ગયું છે. આ રકમ 12 અબજ ડોલર જેટલી છે. હવે આ આંકડો વધુ વધી શકે છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે ખાનગી સંરક્ષણ ઉદ્યોગો પાસેથી ડેટા મેળવ્યા બાદ સંરક્ષણ ઉત્પાદનનું મૂલ્ય વધુ થઈ શકે છે.