યુક્રેન મામલે શાંતિ મંત્રણામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છેઃ પુતિન
- ચીન અને બ્રાઝિલ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છેઃ પુતિન
- યુક્રેન ઉપર રશિયાના પ્રમુખે કર્યાં આકરા પ્રહાર
- રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022 થી યુદ્ધ ચાલે છે
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. તમામ પ્રયાસો છતાં પણ તેને રોકી શક્યું નથી, બલ્કે તે દિવસેને દિવસે વધુ ગંભીર બની રહ્યું છે. બંને તરફથી થયેલા હુમલામાં ઘણા લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે શાંતિ મંત્રણાની વાત કરી છે જે મોટી રાહત છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે ચીન, ભારત અને બ્રાઝિલ યુક્રેન પર શાંતિ વાટાઘાટોમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે, યુદ્ધના પ્રથમ સપ્તાહમાં પણ રશિયન અને યુક્રેનિયન વાટાઘાટોકારો વચ્ચે સમજૂતી થઈ હતી. પુતિને કહ્યું, ‘રશિયન અને યુક્રેનિયન વાટાઘાટોકારો વચ્ચે ઇસ્તંબુલમાં એક પ્રારંભિક સમજૂતી થઈ હતી જે ક્યારેય લાગુ કરવામાં આવી ન હતી. આ પ્રારંભિક કરાર વાટાઘાટો માટેના આધાર તરીકે સેવા આપી શકે છે.
અહેવાલ મુજબ, જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે વાતચીત શરૂ કરવાની તૈયારી દર્શાવી હતી, ત્યારે તેમણે યુક્રેન પર આકરા પ્રહાર કર્યાં હતા. પુતિને કહ્યું, ‘પશ્ચિમ રશિયાના કુર્સ્કમાં યુક્રેનિયન સેનાની ઘૂસણખોરીનો હેતુ ડોનબાસમાં રશિયન એડવાન્સને ધીમો કરવાનો હતો, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં. યુક્રેન સફળ ન થઈ શક્યું કારણ કે આ પગલાને કારણે તેણે અન્ય ઘણા મોરચે તેની સેનાને નબળી બનાવવાનું કામ કર્યું હતું.
રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022 થી યુદ્ધ ચાલે છે. આ યુદ્ધને કારણે બંનેને જાન-માલનું ભારે નુકસાન થયું છે. તાજેતરમાં જ રશિયાએ યુક્રેન પર બે મિસાઈલ છોડી હતી જેમાં ઘણા લોકોના મોત થયા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે.