સૌથી વધારે હથિયારો ખરીદતા દેશોમાં ભારત, ચીન અને સાઉદી અરબનો સમાવેશ
નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધને લઈને વિવિધ દેશોને હથિયારોનું વેચાણ કરતી કંપનીની માર્કેટ વેલ્યુમાં વધારો થયો છે. જર્મનીએ પોતાનું ડિફેન્સ બજેટ ડબલ કરી નાખ્યું છે. જ્યારે ઈટલી, નેધરલેન્ડ અને સ્પેન સહિતના દેશોએ પણ રક્ષા બજેટમાં વધારો કર્યો છે. આ ટ્રેન્ડ આગામી દિવસોમાં યુરોપની બહારના દેશોમાં પણ જોવા મળવાની શકયતા છે. યુક્રેન ઉપર હુમલો થતા અમેરિકા તથા નોટા રશિયા ઉપર હુમલા કરવાનું ટાળી રહ્યાં છે. રશિયા પાસે સૌથી વધારે ન્યુક્લિયર પાવર છે. બીજી તરફ અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની અને ચીનનો દુનિયાના હથિયાર બજારમાં 75 ટકા હિસ્સો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર હથિયારોના વેચાણમાં અમેરિકા આગળ છે. અમેરિકાનો હિસ્સો 37 ટકા છે. આવી જ રીતે રશિયાનો 20 ટકા, ફ્રાંસનો 8.3 ટકા, જર્મનીનો 5.5 અને ચીનનો 5.2 ટકા હિસ્સો છે. એક રિપોર્ટ અનુસાર સાઉદી અરબ, ભારત, ઈજિપ્ત, ઓસ્ટ્રેલિયા અને ચીન સૌથી વધારે હથિયારોની ખરીદી કરે છે. ગ્લોબલ હથિયાર માર્કેટમાં સાઉદી અરબ 11 ટકા, ભારત 9.5 ટકા, ઇજીપ્ત 5.8 ટકા, ઓસ્ટ્રેલિયા 5.1 ટકા અને ચીન 4.7 ટકા સાથે હથિયાર ખરીદનારા સૌથી મોટા પાંચ દેશ છે. ચીન માત્ર એક દેશ એવો છે જે હથિયાર ખરીદી અને વેચાણ કરે છે. ચીન રિવર્સ ઈન્જીનિયરિંગ ફોર્મૂલાને આધારે કામ કરે છે. ચીન પહેલા હથિયાર ખરીદે છે અને તેમાં પોતાની જરૂરિયાત અનુસાર ફેરફાર કરીને તેને અન્ય દેશોને વેચે છે. રશિયા પાસેથી ભારત ઉપરાંત ચીન અને અલ્જીરિયા હથિયારોની ખરીદી કરે છે. પરંતુ રશિયા પાસેથી સૌથી વધારે હથિયાર ભારત જ ખરીદે છે.