પાકિસ્તાન પાસે ભારત વધારે અપેક્ષાઓ રાખતુ નથીઃ એસ.જયશંકર
નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી, જેના પર ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર (એસ. જયશંકર) એ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનીઓ પાસેથી ભારતને અપેક્ષાઓ ક્યારેય વધારે રહી નથી. વિદેશ મંત્રાલયે બિલાવલની ટિપ્પણીને ‘અભદ્ર’ ગણાવી હતી. મંત્રાલયે કહ્યું કે, તે પાકિસ્તાન માટે પણ નિમ્ન સ્તર છે.
વિદેશ મંત્રી જયશંકરે ભારત-જાપાન કોન્ક્લેવ દરમિયાન કહ્યું કે, મને લાગે છે કે મારા મંત્રાલયે ખૂબ જ સ્પષ્ટ રીતે કહ્યું છે કે અમે તેમના વિશે શું વિચારીએ છીએ અને અમે જે કહેવું હતું તે કહ્યું. જ્યારે જયશંકરને પૂછવામાં આવ્યું કે શું તેઓ વડા પ્રધાન વિરુદ્ધના નિવેદનથી નારાજ છે, તો તેમણે કહ્યું કે પાકિસ્તાનીઓ પાસેથી અમારી અપેક્ષાઓ ક્યારેય વધારે નથી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ઝેર ઓક્યું હતું. ભુટ્ટોના નિવેદનને પગલે સમગ્ર ભારતમાં નારાજગી ફેલાઈ છે. એટલું જ નહીં ભાજપાએ ભુટ્ટો સામે ઉગ્ર દેખાવો કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ભાજપાના સિનિયર નેતાઓએ પાકિસ્તાન અને ભુટ્ટો સામે આકરા પ્રહાર કર્યાં હતા.