નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને પગલે દુનિયાના મોટાભાગના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. જો કે, ભારત આ યુદ્ધ અંગે પોતાના સ્ટેન્ડ ઉપર મક્કમ છે અને હિંસા અટકાવીને વાતચીતથી સમસ્યાના ઉકેલ માટે અપીલ કરી હતી. દરમિયાન ભારતના વિદેશ મંત્રીએ સ્પષ્ટ્ર શબ્દોમાં કહ્યું હતું કે, અમેરિકા કે ચીનની આગેવાની હેઠળની કોઈ પણ શિબિરમાં ભારત સામેલ નહીં થાય. ભારતના પોતાના નિર્ણય લેવા સક્ષમ છે.
ગ્લોબસેકમાં ભાગ લેતા વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે, દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં વિદેશનીતિમાં મોટા ફેરફાર થયાં છે. અમને કોઈ પણ દાયરામાં સીમિત રહીને નિર્ણયો લેવા દબાણ કરી શકાય નહીં. ભારત આ પહેલા પણ ઘણી વખત પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યું છે. વિશ્વ આ સમયે આતંકવાદ અને જળવાયુ પરિવર્તનને લગતા અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. જો તમે આ પડકારો પર ભારતને કોઈ પ્રશ્ન પૂછશો, તો તમને ચોક્કસ જવાબ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી સંબંધમાં ખટાસ આવી છે અને બંને દેશો વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યું છે. દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ચીન અને પાકિસ્તાને રશિયાને સમર્થન આપ્યું હતું. જ્યારે અમેરિકા અને યુકે સહિતના દેશોએ રશિયાની કાર્યવાહીની નિંદા કરીને યુક્રેનને સમર્થન આપ્યું હતું. દુનિયાની નજર ભારત ઉપર મંડાયેલી છે. ભારતે અગાઉ પણ હિંસા અટકાવવા અપીલ કરી હતી. તેમજ યુએનમાં રશિયા સામેની કાર્યવાહી મુદ્દે મતદાનથી પણ દૂર રહ્યું હતું. જ્યારે યુક્રેનને જરૂરી મદદ પુરી પાડવાની તૈયારીઓ પણ દર્શાવી હતી.