નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાના હુમલાને ભારતીય મૂળના રશિયન ધારાસભ્ય ડો. અભયકુમાર સિંહએ યોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ સૈન્ય કાર્યવાહી યોગ્ય છે કેમ કે યુક્રેનને પૂરતો સમય આપવામાં આવ્યો હતો. તેમણે યુક્રેનમાં ભારતીય નાગરિકો સાથે થઈ રહેલા અયોગ્ય વર્તનને લઈને કહ્યું હતું કે, ભારતે યુક્રેનને મદદ નહીં કરતા ભારતીયો સાથે અયોગ્ય વર્તન કરવામાં આવી રહ્યું છે.
યુક્રેનમાં રશિયા દ્વારા સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે બંને દેશ વચ્ચે સતત સાત દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન પુતિનની પાર્ટીના ધારાસભ્ય ડો.અભયકુમાર સિંહએ એક મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, જો ચીન બાંગ્લાદેશમાં પોતાના સૈન્યનું થાણુ સ્થાપિત કરે તો ભારત શું પ્રતિક્રિયા આપે, સ્પષ્ટ છે કે, ભારત આ પગલાને પસંદ નહીં કરે. આવી રીતે રશિયાની નાટો બનાવવામાં આવ્યું હતું, સોવિયત સંઘના ટુટવા છતા તેને વિધટિત નથી કરાયું, એટલું જ નહીં તે ધીરે-ધીરે રશિયાની નજીક આવી રહ્યું છે. જો યુક્રેન નાટોમાં સામેલ થાય છે તો નાટોના દળો અમારી નજીક આવી જશે. જે કરારનું ઉલ્લંઘન હશે, રાષ્ટ્રપતિ પુતિન અને રશિયન સંસદમાં પાસ કરવામાં આવેલી કાર્યવાહી સિવાય કોઈ વિકલ્પ ન હતો. જેથી યુક્રેન ઉપર હુમલો કરવામાં આવ્યો છે.
તેમણે પરમાણુ હુમલાની શક્યતાને નકારતા કહ્યું કે, પરમાણુ હથિયારના અભ્યાસનો ઉદેશ કોઈ અન્ય દેશ દ્વારા અમારા ઉપર હુમલો કરવામાં આવે તો જવાબ આપવાનો છે. રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે, જો અન્ય કોઈ દેશ અમારી ઉપર હુમલો કરે છે તો તેને યોગ્ય જવાબ આપવામાં આવશે. ભારતીય મૂળના ધારાસભ્યએ યુક્રેનમાં ભારતીય નાગરિકો સાથે થઈ રહેલા અયોગ્ય વર્તનને લઈને કહ્યું હતું કે, ભારતે યુક્રેનને સમર્થન આપ્યું નથી જેથી આવુ વર્તન કરવામાં આવતું હોવાનું લાગી રહ્યું છે. મૂળ બિહારના અભયકુમાર સિંહએ રશિયામાં મેડિકલનો અભ્યાસ કર્યા બાદ ભારત પરત આવ્યા હતા. તેમજ લોકોની તબીબી સેવામાં જોડાયા હતા. જો કે, કેટલાક વર્ષો બાદ તેઓ પરત રશિયા જતા રહ્યાં હતા. હાલ તેઓ રશિયાના પશ્ચિમી શહેર કુર્સ્કના ધારાસભ્ય છે.