ભારતે વિદેશમાં પેટ્રોલ અને ડીઝલ વેચીને કરી આટલી કમાણી
દિલ્હી:રશિયા-યુક્રેન યુદ્ધને કારણે યુરોપ અને અન્ય પશ્ચિમી દેશોએ રશિયન તેલ લેવાનું બંધ કરી દીધું હતું. છતાં તેલનો વપરાશ યથાવત રહ્યો હતો. ભારતે તેનો ફાયદો ઉઠાવ્યો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત ઘણી મોટી પેટ્રોલિયમ રિફાઇનરીઓએ યુરોપમાં પેટ્રોલ અને ડીઝલની નિકાસ શરૂ કરી. આનું પરિણામ એ આવ્યું કે ભારતીય કંપનીઓની કમાણીમાં નોંધપાત્ર વધારો થયો.
જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો 2022-23માં ભારતે પાછલા વર્ષની સરખામણીમાં લગભગ 10 ટકા ઓછું પેટ્રોલ અને ડીઝલની નિકાસ કરી હતી. આમ છતાં ડૉલરમાં તેમની કમાણી 26 ટકા અને રૂપિયામાં 35 ટકા વધી છે. તેનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલની ઊંચી કિંમતો અને ડોલર સામે રૂપિયો નબળો પડવો છે.
ભારતે 2022-23માં કુલ $42 બિલિયન (લગભગ 3,33,620 કરોડ રૂપિયા)ના પેટ્રોલ-ડીઝલની નિકાસ કરી હતી. આમાં સૌથી મોટો હિસ્સો ખાનગી ક્ષેત્રની રિફાઇનરીઓ એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો હતો. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના આંકડા અનુસાર, ભારતને આનાથી વિદેશી હૂંડિયામણનો લાભ મળ્યો. બીજી તરફ, કિંમતમાં તફાવતને કારણે રિફાઇનરીઓને વધુ નફો મળ્યો હતો.
જો કે, 2022-23માં ભારતની પેટ્રોલિયમ નિકાસમાં ઘટાડો થવાનું એક કારણ સ્થાનિક સ્તરે તેના વપરાશમાં વધારો છે. આ સમયગાળા દરમિયાન પેટ્રોલના વપરાશમાં 14 ટકા અને ડીઝલના વપરાશમાં 12 ટકાનો વધારો થયો છે.
જોકે ભારતે 2022-23માં વિદેશમાં 28.5 મિલિયન ટન ડીઝલની નિકાસ કરી હતી, જેની કિંમત $28.9 બિલિયન (આશરે રૂ. 2,31,130 કરોડ) હતી. તે જ સમયે, 1.31 કરોડ ટન પેટ્રોલની નિકાસ કરવામાં આવી હતી. તેની કિંમત $12.8 બિલિયન (આશરે 1,02,489 કરોડ રૂપિયા) છે.