રાજસ્થાન ઉપરાંત અન્ય 19 સ્થળો ઉપર સેનાના યુદ્ધ વિમાનને ઈમરજન્સી લેન્ડિંગની સુવિધા ઉભી કરાશે
દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે અન્ય 19 સ્થળોએ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાઓ વિકસાવવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે રાજસ્થાનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 925A પર ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરતાં તેમણે કહ્યું કે આ રાજમાર્ગ રન-વે વ્યૂહાત્મક રીતે મહત્વની સરહદોની સુરક્ષામાં દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશમાં 19 અન્ય સ્થળોએ એટલે કે રાજસ્થાનમાં ફલોદી – જેસલમેર રોડ અને બાડમેર – જેસલમેર રોડ, પશ્ચિમ બંગાળમાં ખડગપુર – બાલાસોર રોડ, તમિલનાડુમાં ખડગપુર – ક્યોન્ઝર રોડ અને પાનાગઢ/કેકેડી ચેન્નઈ નજીક, આંધ્ર પ્રદેશમાં પુડુચેરી રોડ પર, હરિયાણામાં નેલ્લોર – ઓંગોલ રોડ અને ઓંગોલ – ચિલકાલુરીપેટ રોડ પર, પંજાબમાં સંગરૂર નજીક મંડી ડબવાલીથી ઓધણ રોડ પર, ગુજરાતમાં ભુજ-નલિયા રોડ પર અને સુરત-બરોડા રોડ પર, જમ્મુ અને કાશ્મીરમાં બનિહાલ-શ્રીનગર રોડ, આસામમાં લેહ/ન્યોમા વિસ્તારમાં અને આસામમાં જોરહાટ-બારાઘાટ રોડ પર, શિવસાગર પાસે, બાગડોગરા-હાશિમારા રોડ, હાશીમારા-તેજપુર માર્ગ અને હાશિમારા-ગુવાહાટી રોડ પર ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાઓ વિકસાવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વસ્તરીય રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ વિક્રમી ઝડપે કરવામાં આવી રહ્યું છે. હવે આપણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પણ સેનાને ઉપયોગી થશે, જે આપણા દેશને વધુ સુરક્ષિત અને કટોકટીની પરિસ્થિતિઓ માટે હંમેશા તૈયાર રાખશે. આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત અને એર ચીફ માર્શલ આર એસ ભદૌરિયા પણ હાજર રહ્યા હતા.