અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. બીજી તરફ અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. જેથી કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હવેથી 50 ટકા ટિકિટનું વેચાણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આખા સ્ટેડિયમને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. મેચ દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ કડકાઈથી પાલન થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધારે દર્શકોની ક્ષમતા છે. જેથી પ્રથમ ટી-20 મેચ આજે રમાશે. દરમિયાન જીસીએએ નિર્ણય લીધો છે કે હવે સ્ટેડિયમને 50 ટકા જ ભરવામાં આવશે, એટલે કે સીરીઝની તમામ મેચોમાં સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા 50 ટકા જ રાખવામાં આવશે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આ સ્ટેડિયમમાં બે ટેસ્ટ મેચ રમાઈ હતી. ઈંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચની સિરિઝમાં ભારતનો 3-1થી વિજય થયો હતો.
ગુજરાત ક્રિકેટ એસોશિએશના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના જણાવ્યા અનુસાર, કૉવિડ19 મહામારીના કારણે હવે અહીં તમામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે ઓનલાઇન અને ઓફલાઇન ટિકીટોનુ વેચાણ માત્ર 50 ટકા સુધી જ કરીશુ.