અમદાવાદમાં ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને અપાયું આમંત્રણ
અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તા. 24મી ફેબ્રુઆરીથી અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં પીંક બોલથી ટેસ્ટ મેચ રમાવવાની છે. મોટેરા સ્ટેડિયમને નવેસરથી તૈયાર કર્યાં બાદ આ પ્રથમ મેચ હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાગુંલી પણ ઉપસ્થિત રહે તેવી શકયતા છે. એટલું જ નહીં નવા સ્ટેડિયમને લઈને ભારતીય ક્રિકેટરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દુનિયાના સૌથી મોટા અને એક લાખથી વધારે પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા મોટેરા સ્ટેડિયમમાં તા. 24મી ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ માટે બંને દેશની ટીમ અમદાવાદ આવી ગઈ છે. તેમજ બંને ટીમ સ્ટેડિયમમાં નિયમિત પેકટીસ કરી રહી છે. આ ડે-નાઈટ ટેસ્ટ મેચ પીંક બોલથી રમાવાની છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચને લઈને અમદાવાદ સહિત રાજ્યભરના ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ સ્ટેડિયમમાં બેસીને મેચની મજા માણવા માટે અનેક ક્રિકેટ પ્રેમીઓએ ટિકીટ પણ મેળવી લીધી છે. ટેસ્ટ મેચને લઈને જીસીએ દ્વારા પણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારીની ગાઈડલાઈન અનુસાર આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટેસ્ટ મેચ માટે પીમોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં એવી શક્યતા છે કે 23 થી 25 ફેબ્રુઆરી સુધી સૌરવ ગાંગુલી અમદાવાદમાં રહેશે.