આખી દુનિયાએ આજે જોયું કે, પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના માસ્ટર્સ મુંબઈ હુમલાનું ષડયંત્ર કેવી રીતે ઘડી રહ્યા હતા અને કેવી રીતે આદેશ આપીને આ હુમલો કરાવ્યો હતો. આ આદેશ અન્ય કોઈ નહીં પણ કુખ્યાત આતંકવાદી સાજિદ મીરે આપ્યો હતો. જે તે સમયે પાકિસ્તાનમાં બેસી મુંબઈ આવેલા 10 આતંકીઓને ફોન પર માર્ગદર્શન આપી રહ્યો હતો. આ સંદર્ભમાં ભારતે આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિષદની સામે એક ઓડિયો ક્લિપ પણ રજૂ કર્યો હતો. આ ઓડિયો ક્લિપ મુંબઈના છબાડ હાઉસની છે. સાજિદ મીર આતંકવાદીઓને કહી રહ્યો હતો કે, ‘જ્યાં જુઓ ત્યાં લોકોની અવરજવર. જો કોઈ ધાબા પર ચાલી રહ્યું હોય અથવા કોઈ આવી રહ્યું હોય તો તેના પર ફાયર કરો. તેને ખબર નથી કે ત્યાં શું થઈ રહ્યું છે.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે 26/11નો આતંકવાદી હુમલો માત્ર મુંબઈ પર જ નહીં પરંતુ સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય પર હતો. તેમણે કહ્યું કે આ હુમલાનો હિસાબ હજુ પૂરો થયો નથી. આ સાથે સંકળાયેલા કાવતરાખોરો અને ગુનેગારોને સજા કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. વિદેશ મંત્રી એસ જયશંકર ઉપરાંત યુકેના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવર્લી, ઘાનાના વિદેશ મંત્રી, યુએઈના ગૃહ મંત્રી સહિત અન્ય દેશોના પ્રતિનિધિઓએ મુંબઈમાં ચાલી રહેલી આ બેઠકમાં ભાગ લીધો છે.