નવી દિલ્હીઃ અમેરિકા સહિતના દુનિયાના મોટાભાગના દેશો આર્થિક મુશ્કેલી અને મંદીનો સામનો કરી રહ્યું છે. તેમજ આગામી દિવસોમાં આર્થિક સ્થિતિ વધારે બગડવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. જો કે, દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ વધારે મજબુત છે એટલું જ નહીં વૈશ્વિક મંદીની અસર ભારતને પડશે નહીં, તેવો મત અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કર્યો છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ભારતના આર્થિક વિકાસના અનુમાનમાં ઘટાડો કર્યો છે. જોકે, IMFના એક અધિકારીનું કહેવું છે કે, અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં સ્થિતિ સારી રહેશે. IMFના એક અધિકારીએ કહ્યું હતું કે આજે દરેક દેશ આર્થિક વૃદ્ધિની દ્રષ્ટિએ ધીમો પડી રહ્યો છે, પરંતુ તેની અસર ભારત પર નથી પડી. આંતરરાષ્ટ્રીય સંસ્થાના અધિકારીએ કહ્યું કે અન્ય દેશોની સરખામણીમાં ભારત વધુ સારી જગ્યાએ છે.
આઈએમએફના એશિયા અને પેસિફિક વિભાગના નિર્દેશક કૃષ્ણા શ્રીનિવાસને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, વૈશ્વિક સ્થિતિ અત્યારે એક મોટી સમસ્યા છે. તેમણે કહ્યું કે ભલે મોંઘવારી વધી રહી છે, પરંતુ હજુ પણ વિશ્વના ઘણા ભાગોમાં વૃદ્ધિની ગતિ ધીમી પડી રહી છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે IMFએ વર્ષ 2022 માટે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 6.8 ટકા કરી દીધું છે. જ્યારે અગાઉ જુલાઈમાં ભારતનો વિકાસ દર 7.4 ટકા રહેવાનો અંદાજ હતો.
IMFના અધિકારીએ કહ્યું કે, આ વર્ષે અથવા આવતા વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે જવાબદાર ઘણા દેશો મંદીની ઝપેટમાં આવી જશે. તેમણે કહ્યું કે મોંઘવારી ઝડપથી વધી રહી છે, તેથી તે વધુ વ્યાપક બની શકે છે.
અધિકારીએ કહ્યું કે આજે જ્યાં લગભગ દરેક દેશની ગતિ ધીમી છે. તેથી ત્યાં, ભારત વધુ સારું કરી રહ્યું છે. ભારતનું અન્ય દેશોની સરખામણીએ ઉજ્જવળ ભવિષ્ય જોવા મળી રહ્યું છે. શ્રીનિવાસને વિશ્વની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા, યુરોપિયન યુનિયન અને ચીન વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે અહીં સ્થિતિ સતત બગડતી રહેશે.