ભારતઃ 2021-22માં 31.5 મિલિયન ટનથી વધુ અનાજનું ઉત્પાદન થવાનો અંદાજ
નવી દિલ્હીઃ ભારત ખેતી પ્રધાન દેશને અને ખેતી ભારતની કરોડરજ્જુ છે જેથી ખેત ઉત્પાદન વધે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કૃષિ પાકોનું ઉત્પાદન વધવાનો અંદાજ છે. ડાંગર, મકાઈ, ચણા, કઠોળ, રાઈ, તેલીબિયાં અને શેરડીના વિક્રમી ઉત્પાદનની અપેક્ષા છે, 2021-22માં ડાંગરનું કુલ ઉત્પાદન રેકોર્ડ એક અબજ 39 મિલિયન ટનને વટાવી જવાનો અંદાજ છે.
દેશમાં 2021-22માં 31.5 મિલિયન ટનથી વધુ અનાજનું ઉત્પાદન થવાનો અંદાજ છે. જે 2020-21ની સરખામણીમાં 49 લાખ 80 હજાર ટન વધુ હશે. કૃષિ મંત્રાલયે આજે વર્ષ 2021-22 માટે મુખ્ય કૃષિ પાકોના ઉત્પાદનનો ચોથો આગોતરૂ અંદાજ બહાર પાડ્યો છે. ડાંગર, મકાઈ, ચણા, કઠોળ, રાઈ, તેલીબિયાં અને શેરડીના વિક્રમી ઉત્પાદનની અપેક્ષા છે. 2021-22 દરમિયાન ઉત્પાદન છેલ્લા પાંચ વર્ષની સરેરાશ કરતાં 2.5 મિલિયન ટન વધુ રહેવાની ધારણા છે.
કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની ખેડૂત-મૈત્રીપૂર્ણ નીતિઓને કારણે રેકોર્ડ ઉત્પાદન થવાની અપેક્ષા છે. ખેડૂતોની મહેનત અને વૈજ્ઞાનિકોનું સમર્પણ પણ આમાં સમાન ફાળો આપે છે.
2021-22માં ડાંગરનું કુલ ઉત્પાદન રેકોર્ડ એક અબજ 39 મિલિયન ટનને વટાવી જવાનો અંદાજ છે. જે છેલ્લા પાંચ વર્ષના સરેરાશ ઉત્પાદન કરતાં એક કરોડ 38 લાખ 50 હજાર ટન વધુ છે. ઘઉંનું ઉત્પાદન 10 કરોડ 60 લાખ ટનને પાર થવાની સંભાવના છે. જે છેલ્લા પાંચ વર્ષના સરેરાશ ઉત્પાદન કરતાં 29 લાખ 60 હજાર ટન વધુ છે.