Site icon Revoi.in

ભારતઃ કેન્દ્ર સરકારે FDI ક્ષેત્રમાં કરેલા સુધારાને પગલે વિદેશી રોકાણ વધ્યું

Social Share

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સમયગાળા દરમિયાન સૌથી વધુ નાણા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)માં આવ્યા છે. વાણિજ્ય મંત્રાલયે આંકડામાં જણાવ્યું છે કે, ગત નાણાકીય વર્ષમાં દેશમાં કુલ રૂ. 6 લાખ કરોડથી વધુનું વિદેશી રોકાણ આવ્યું છે. નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 6,31,050 કરોડનું રેકોર્ડ વિદેશી પ્રત્યક્ષ રોકાણ આવ્યું છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને સૌથી વધુ રોકાણ મળ્યું છે. વિદેશી રોકાણકારોએ ઉત્પાદન ક્ષેત્રે રૂ. 1,58,332 કરોડનું રોકાણ કર્યું છે. જોકે, નાણાકીય વર્ષમાં આ રકમ 89,766 કરોડ રૂપિયા હતી. જો જોવામાં આવે તો વિતેલા નાણાકીય વર્ષમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 76 ટકા વધુ વિદેશી રોકાણ આવ્યું છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા એફડીઆઈ ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારાથી જ રેકોર્ડ વિદેશી રોકાણ પ્રાપ્ત થયું છે. નાણાકીય વર્ષ 2020-21માં કુલ FDI 81.97 બિલિયન ડોલર હતું. જો આપણે સૌથી વધુ વિદેશી રોકાણ કરનારા દેશોની વાત કરીએ તો ફરી એકવાર સિંગાપોર આ મામલે ટોચ પર છે. ગયા નાણાકીય વર્ષમાં કુલ FDIમાં સિંગાપોરનો હિસ્સો 27 ટકા હતો.

યુએસ 18% શેર સાથે બીજા ક્રમે છે. જ્યારે મોરેશિયસનું યોગદાન 16 ટકા છે અને તે સૌથી વધુ એફડીઆઈના સંદર્ભમાં ત્રીજા ક્રમે છે. મહત્તમ રોકાણ પર નજર કરીએ તો કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર સેક્ટર પ્રથમ ક્રમે રહ્યું છે. સર્વિસ સેક્ટર અને ઓટોમોબાઈલ સેક્ટર બીજા અને ત્રીજા સ્થાને રહ્યા હતા.

કેન્દ્ર સરકારે FDI નીતિને લઈને ફેરફારો અને સુધારા કર્યા છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સરકારે પોતાનું વલણ નરમ રાખ્યું છે. વીમા સહિત અનેક ક્ષેત્રોમાં 100% એફડીઆઈની મંજૂરીથી દેશમાં સીધા વિદેશી રોકાણમાં વધારો કરવામાં મદદ મળી છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઓટોમેટિક રૂટ દ્વારા વિદેશી રોકાણ આવે છે, જે લગભગ બમણું રોકાણ મેળવવામાં સફળ રહ્યું છે.