ભારતઃ આગામી સપ્તાહથી ઠંડીમાં લોકોને મળશે રાહત, મહત્તમ તાપમાનમાં થશે વધારો
નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે સમગ્ર દેશમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. જો કે, આગામી સપ્તાહથી ઠંડીમાં ઘટાડો થવાની શકયતા છે. જેથી લોકોને ઠંડીમાં રાહત મળશે. માર્ચના આરંભ સાથે જ શિયાળુ ધીમે-ધીમે વિદાય લેશે.
દિલ્હી-એનસીઆરના કરોડો લોકો આગામી સપ્તાહથી ઠંડીમાંથી રાહત મળવાની સાથે સૂર્યપ્રકાશને કારણે હવામાનનો મૂડ પણ બદલાવાનો છે. હવામાન વિભાગની આગાહી છે કે દિલ્હી અને એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં એક સપ્તાહની અંદર ઠંડીથી રાહત મળશે, તેમજ 16 ફેબ્રુઆરીના રોજ મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન આગામી 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. 17 ફેબ્રુઆરીએ દિલ્હી-NCRમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ પછી તેમાં સતત વધારો થવાની ધારણા છે એટલે કે લગભગ દોઢ મહિનાથી ઠંડીથી પરેશાન લોકોને રાહત મળવાની છે.
હવામાન વિભાગનું કહેવું છે કે ઠંડીથી રાહતનો સમયગાળો ચાલુ રહેશે. આગામી સપ્તાહે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. શુક્રવારે સવારે રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાયું હતું. જેના કારણે સવારે ઠંડીનો અહેસાસ થયો હતો, પરંતુ આકાશ ચોખ્ખું રહ્યું હતું અને દિવસભરના ચમકદાર સૂર્યપ્રકાશને કારણે ઠંડીનું વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. શનિવારે પણ દિવસભર આકાશ સ્વચ્છ રહ્યું હતું. આ દરમિયાન, મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.