નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અરુણાચલ પ્રદેશના પ્રવાસે હતા. તવાંગ વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે 9 ડિસેમ્બરે થયેલી અથડામણ પછી સંરક્ષણ પ્રધાન અરુણાચલ પ્રદેશની તેમની પ્રથમ મુલાકાતે હતા. આ દરમિયાન રક્ષા મંત્રીએ સિયાંગમાં કહ્યું કે, ભારત દેશની સરહદ પર વિરોધીઓના પડકારોને નિષ્ફળ બનાવવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે.
રાજનાથ સિંહે કહ્યું કે ભારત ક્યારેય યુદ્ધને પ્રોત્સાહન આપતું નથી અને હંમેશા તેના પડોશીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા માંગે છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા બનાવવામાં આવેલા પુલનું ઉદ્ઘાટન કર્યા બાદ સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ભારતીય સેના સરહદ પર કોઈપણ પડકારનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.
તેમણે કહ્યું કે ભારત એક એવો દેશ છે જે તેના પડોશીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખવા માંગે છે. તે આપણને ભગવાન રામ અને ભગવાન બુદ્ધના ઉપદેશોમાંથી વારસામાં મળેલ છે. જો કે, જો ઉશ્કેરવામાં આવે તો દેશ કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. રાજનાથ સિંહે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ “આ યુદ્ધનો યુગ નથી” કહીને ભારતના સંકલ્પને ફરીથી સ્પષ્ટ કર્યો હતો અને આ સંકલ્પ તરફ વિશ્વનું ધ્યાન દોર્યું હતું એટલે કે અમે યુદ્ધમાં માનતા નથી પરંતુ જો યુદ્ધ આપણા પર લાદવામાં આવે તો, અમે દરેક પડકારનો સામનો કરવા તૈયાર છીએ.