નવી દિલ્હી: બે વર્ષ પછી, કેન્દ્ર સરકારે 31 માર્ચથી કોવિડ -19 સંબંધિત તમામ પ્રતિબંધો દૂર કરવાનો નિર્ણય લીધો છે. જોકે, માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવાના નિયમો પહેલાની જેમ જ અમલમાં રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે આ અંગે આદેશ જારી કર્યો છે.
દેશમાં કોરોનાના કેસોમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને અને પરિસ્થિતિમાં સુધારાને ધ્યાનમાં રાખીને સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, સ્વાસ્થ્ય મંત્રાલયે સલાહ આપી છે કે, કોવિડ-19 સંબંધિત દરેક સાવચેતીનું પાલન કરવું જોઈએ. જો કોઈ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના કોઈપણ ભાગમાં કોરોનાના કેસ વધે છે, તો રાજ્ય તેને રોકવા માટે પગલાં લઈ શકે છે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ કોરોના કન્ટેઈનમેન્ટ મેઝર માટે DM એક્ટ લાદતા આદેશને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાના પત્રમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ડીએમ એક્ટ હેઠળ જાહેર કરાયેલી માર્ગદર્શિકા દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 180 કરોડ જેટલા ડોઝ આપીને પ્રજાને સુરક્ષિત કરવામાં આવી છે. ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લાંબી લડાઈ લડી રહ્યાં છે. ભારતમાંથી હજુ કોરોના ગયો નથી જેથી સરકાર દ્વારા પ્રજાને સાવચેત રહેવા માટે સતત અપીલ કરવામાં આવે છે.